સમલૈગિક સંબંધ સમયે પથ્થરના ઘા ઝીંકી યુવકની હત્યા, અર્ધનગ્ન હાલતમાં લાશ મળી

શહેરના થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ખુલ્લા પ્લોટમાં અવાવરૂ સ્થળેથી પરપ્રાંતીય યુવકની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. લાશ અર્ધનગ્ન હાલતમાં હતી. સમલૈંગિક સંબંધ સમયે માથાકૂટ થતાં યુવકને પથ્થરના ઘા ઝીંકી પતાવી દીધાની દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો.

શહેરની ભાગોળે કોઠારિયા ચોકડી નજીક થોરાળા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા મીરા ઉદ્યોગનગર ઇન્ડસ્ટ્રિયલ એરિયાના ખુલ્લા પ્લોટમાં એક યુવકની લાશ પડી હોવાની જાણ થતાં થોરાળા પોલીસ સ્ટેશનના પીઆઇ વાઘેલા સહિતની ટીમ દોડી ગઇ હતી. પોલીસ પહોંચી ત્યારે લાશ લોહીલુહાણ હાલતમાં પડી હતી. યુવકનું પેન્ટ ઉતરેલું હતું, તેનું માથું છૂંદી નાખવામાં આવ્યું હતું અને કાનમાં પણ ઇજાના નિશાન જોવા મળ્યા હતા. લાશ નજીક લોહીના ડાઘવાળો પથ્થર મળી આવ્યો હતો તે પથ્થરથી જ યુવકને રહેંસી નખાયાની દૃઢ શંકા સેવાઇ રહી છે.

પોલીસે તપાસ કરતાં મૃતક ઓરિસ્સાનો સુધીર ચુમારૂ સુના (ઉ.વ.34) હોવાનું ખુલ્યું હતું. લાશ તેના મોટાભાઇએ ઓળખી બતાવી હતી. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, સુધીર સુના નાડોદાનગરમાં ભાડાની ઓરડીમાં રહેતો હતો અને લાદી ઘસવાનું કામ કરતો હતો, નાડોદાનગરથી સુધીર ઘટનાસ્થળે કેવી રીતે પહોંચ્યો તે તપાસનો મુદ્દો બન્યો હતો. જે અવસ્થામાં લાશ મળીએ સ્થળ અવાવરૂ હતું, તેમજ હત્યા રવિવારે મધરાતે થયાનું અનુમાન છે. આ તમામ સંજોગો પરથી એવી ચર્ચા ઊઠી હતી કે, સુધીર કોઇની સાથે સમલૈંગિક સંબંધ બાંધી રહ્યો હતો તે વખતે જ તે શખ્સ સાથે માથાકૂટ થતાં તેણે પથ્થરના ઘા ઝીંકી પતાવી દીધો હતો. પોલીસે હત્યારાની ભાળ મેળવવા ચક્રો ગતિમાન કર્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *