બોગસ રાજકીય પાર્ટીઓને 200 કરોડના ડોનેશન મામલે રાજકોટના CAની તપાસ

દેશભરમાં બોગસ રાજકીય પાર્ટીને ડોનેશન આપીને ટેક્સચોરી કરનારાઓ પર આવકવેરા તંત્રે તવાઇ ઉતારી છે ત્યારે રાજકોટની એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પેઢીએ બિહાર, ઝારખંડની 6થી ‌વધુ બોગસ રાજકીય પાર્ટીને અંદાજે રૂ.200 કરોડથી વધુનું ડોનેશન અપાવ્યાનું ખૂલતા પટણા ઇન્કમટેક્સ વિભાગ દ્વારા છેલ્લા ચાર દિવસથી રાજકોટમાં ધામા નાખી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે અને ઢેબર રોડ પર બસ સ્ટેન્ડ પાસે આવેલા સન આર્કેડમાં આવેલી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પ્રણવ શાહની પેઢીમાં દરોડા પાડવામાં આવ્યા છે અને સતત ચોથા દિવસે પણ તપાસ ચાલુ હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.

ઝારખંડ અને બિહારની છ જેટલી બોગસ રાજકીય પાર્ટીઓને રૂ.200 કરોડથી વધુનું ડોનેશન અપાવવામાં રાજકોટના ઢેબર રોડ પર સન આર્કેડમાં બેસતા સી.એ. પ્રણવ શાહની સંડોવણી ખૂલી છે અને તેના પગલે પટણા ઇન્કમટેક્સ વિભાગની એક ટીમે શુક્રવારથી રાજકોટમાં ધામા નાખ્યા છે અને સ્થાનિક આવકવેરા વિભાગના અધિકારીઓને સાથે રાખી પ્રણવ શાહની ઓફિસમાં સતત ચાર દિવસથી તપાસનો ધમધમાટ હાથ ધર્યો છે. જેમાં ઓફિસમાંથી ઘણા ખરા શંકાસ્પદ દસ્તાવેજો અને કરોડો રૂપિયાના શંકાસ્પદ વ્યવહારો મળી આવ્યા છે.

પટણા ઇન્કમટેક્સ વિભાગે રાજકોટ ઉપરાંત પ્રણવ શાહની અમદાવાદમાં આવેલી ઓફિસમાં પણ દરોડા પાડ્યા છે. અમદાવાદમાં ઇન્કમટેક્સ વિભાગે ઓફિસ અને ઘરમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યાનું સૂત્રોએ જણાવ્યું છે. જેમાં કરોડો રૂપિયાના શંકાસ્પદ વ્યવહારો મળી આવતા પ્રણવ શાહ સામે આગામી દિવસો આકરી કાર્યવાહી હાથ ધરાય તેવી પૂરતી શક્યતા સેવાઇ રહી છે. આ તપાસમાં અમરેલીની એક પેઢીના બોગસ રાજકીય પાર્ટી સાથેના મોટા વ્યવહારો ઉજાગર થયાની ચર્ચાઓ થઇ રહી છે અને તેની ઉપર પણ તપાસ તોળાઇ રહ્યાનું જાણવા મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *