રાજકોટથી ભાદર સુધીની નવી પાઇપલાઇનનું કામ હજુ ડિસેમ્બર સુધી શરૂ થવાનું નથી તેવી હકીકતનો દિવ્ય ભાસ્કરે પર્દાફાશ કર્યા બાદ ગાંધીનગર મુખ્યમંત્રી કાર્યાલયથી પૂછાણ આવ્યું હતું અને હજુ સુધી નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાની સર્વિસ રોડ પર કામ કરવાની મંજૂરી મળી ન હોવા છતાં મહાનગરપાલિકાએ વધુ એકવખત રાજ્ય સરકારને ગેરમાર્ગે દોરી છે અને ટેન્ડર પ્રક્રિયા ચાલુ છે તેમ જણાવી કામ ક્યારથી શરૂ થશે તે હકીકત છુપાવ્યાની વિગતો પ્રકાશમાં આવી છે.
રાજકોટ-જેતપુર સિક્સલેન હાઇવેની કામગીરી ચાલી રહી છે ત્યારે મહાનગરપાલિકા દ્વારા હવે ભાદરથી રાજકોટ પાણી લાવવા માટે નવી પાઇપલાઇન નાખવા કવાયત આદરી છે અને તેના માટે રાજ્ય સરકારે રૂ.212 કરોડની ગ્રાન્ટ ફાળવી છે. જોકે સિક્સલેનની કામગીરી શરૂ થઇ ગઇ છે, પરંતુ હજુ સુધી મહાનગરપાલિકાના પૂર્વે સિટી એન્જિનિયરના પાપે ભાદરની નવી પાઇપલાઇનની કામગીરીના ઠેકાણા નથી,
મનપાની વોટર વર્કસ સમિતિના સિટી એન્જિનિયરે ભાદરથી રાજકોટ સુધીમાં ચાર ભાગમાં કામની વહેંચણી કરી ટેન્ડર પ્રક્રિયા કરી હતી, પરંતુ પ્રથમ પ્રયાસમાં ટેન્ડર ભરનાર છ પાર્ટીઓ ડિસક્વોલિફાય થતાં હવે બીજી વખત ટેન્ડર પ્રક્રિયા કરી છે ત્યારે બીજીબાજુ નેશનલ હાઇવે ઓથોરિટીએ આગામી ડિસેમ્બર સુધી મહાનગરપાલિકાને સર્વિસ રોડ પર પાઇપલાઇન નાખવાની મંજૂરી નહીં અપાય તેમ જણાવતા આ પ્રોજેક્ટ હજુપણ મોડો થશે તેવી હકીકત પ્રકાશમાં આવી હતી.