મેટોડામાં રિક્ષાચાલકની છરીના ઘા ઝીંકી હત્યા

શહેરની ભાગોળે મેટોડા જીઆઇડીસીમાં રિક્ષાચાલક યુવકને છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દેવાયો હતો. હત્યારો અને ભોગ બનનાર યુવક એક મકાનમાં ઉપર નીચે રહેતા હતા અને આરોપીની પત્ની સાથે અગાઉ બોલાચાલી થઇ હોય તેનો ખાર રાખી યુવકને પતાવી દેવાયો હતો. મેટોડા જીઆઇડીસીમાં પાઠક સ્કૂલ પાસે આવેલી ગોરિયસ સોસાયટીમાં મકાનમાંથી યુવકની લોહિયાળ હાલતમાં લાશ મળી આવી હતી.

ઘટનાની જાણ થતાં મેટોડા પોલીસ સ્ટેશનના પીઆઇ શર્મા સહિતની ટીમ દોડી ગઇ હતી. વિધિવત રીતે હજુ સુધી મૃતકની ઓળખ થઇ નથી, પરંતુ મૃતક ભાવનગરના ઢસા પંથકનો દિલીપસિંહ ગોહિલ નામનો 40 વર્ષની વયનો હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે.

ચર્ચાતી વિગતો મુજબ દિલીપસિંહને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે, પરંતુ તેના પત્ની સાથે મનમેળ નહીં હોવાથી દિલીપસિંહ ગોહિલ મેટોડામાં ગોરિયસ સોસાયટીમાં રહેતો અને રિક્ષા ચલાવી ગુજરાન ચલાવતો હતો, જ્યારે તેની પત્ની અને સંતાનો રાજકોટમાં રહે છે.

દિલીપસિંહ ગોહિલ જે મકાનમાં રહેતો હતો તે મકાનના ઉપરના ભાગે હાર્દિક મહિડા રહે છે અને હાર્દિક મહિડાની પત્ની સાથે થોડા દિવસ પહેલાં દિલીપસિંહ ગોહિલને કોઇ મુદ્દે બોલાચાલી થઇ હતી, જે બાબતનો ખાર રાખી હાર્દિક મહિડા સહિત બે અથવા ત્રણ શખ્સે મળી દિલીપસિંહ ગોહિલને છરીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો. પોલીસે એક શખ્સને સકંજામાં લીધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *