રાજકોટ મહાનગરપાલિકાની આર્થિક કરોડરજ્જુ જેવી મિલકતવેરાની આવકનો લક્ષ્યાંક પુરો કરવા માટે સરકારી અને અર્ધ સરકારી કચેરીઓ પાસેથી વર્ષોથી બાકી રહેતો મિલકત વેરો વસુલવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે. જોકે આ વસુલાતમાં કોઈ કડક કાર્યવાહી શક્ય નહીં હોવાથી એક પછી એક મુશ્કેલીઓ આવી રહી છે. આવી જ વધુ એક ઘટના સામે આવી છે. જેમાં મનપાની ટીમ દ્વારા પોલીસ તંત્રની મિલકતો માટે રૂ. 12 કરોડનો બાકી વેરો ભરવા જણાવાયું હતું. જોકે પોલીસ વિભાગે હાલ પોતાની મિલકતોનો કોઈ રેકોર્ડ ન હોવાનું જણાવ્યું હતું. જોકે વેરા મેનેજર વત્સલ પટેલે આ અંગે જરૂરી માહિતી આપવાની ખાતરી આપી હતી. સાથે પોલીસ સહિત વિવિધ સરકારી વિભાગનો રૂ. 100 કરોડનો વેરો બાકી હોવાનું જણાવ્યું હતું.
પ્રાપ્ત વિગત મુજબ સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકરે ગત મે માસમાં ટેક્સબ્રાંચના અધિકારીઓ સાથે બેઠક યોજી સરકારી વિભાગ પાસે બાકી રહેતા વેરાની શરૂઆતથી જ ઉઘરાણી કરવા આદેશ આપ્યો હતો. જેને લઈને વેરા વસુલાત શાખાએ શહેર પોલીસ અને રૂરલ પોલીસ પાસે રૂ. 12 કરોડના બાકી વેરાની ઉઘરાણી કરી ત્યારે, પોલીસ વિભાગે પોતાના હસ્તક કેટલી મિલકત છે તેનો કોઈ રેકર્ડ નહીં હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો. જેમાં સિટી પોલીસની 182 મિલક્તો તેમજ રૂરલ પોલીસની 105 મિલક્તોનો વેરો અને પાણીવેરો ક્યારે ભરશો ? તેવી પુછપરછ કરાતાં પોલીસ વિભાગ દ્વારા જવાબ મળ્યો કે કોર્પોરેશનમાં સિટી પોલીસ અને રૂરલ પોલીસની જેટલી મિલકતો છે એ મિલકતોનો કોઈ જ રેકર્ડ અમારી પાસે છે જ નહીં ! કોર્પોરેશન જે મિલક્તો ગણાવે છે તે પૈકીની કેટલીક મિલકતો તો આર એન્ડ બી તેમજ કેટલીક મિલકતો પોલીસ હાઉસિંગ હસ્તકની છે. પોલીસ વિભાગ પાસે એસ્ટેટ રેકર્ડ એટલે કે પોતાના હસ્તકની મિલકતોનો કોઈ રેકર્ડ કે રજીસ્ટર જ નથી.