રાજકોટ RMCનાં આરોગ્ય વિભાગ દ્વારા પેટીસ

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શ્રાવણ મહિનો શરૂ થતાં ફરાળી ખાદ્યચીજોનું સઘન ચેકિંગ હાથ ધર્યું છે. શ્રાવણ માસ નિમિત્તે ફરાળી ખાદ્યચીજોના વ્યાપક ઉપયોગને ધ્યાનમાં રાખીને ફૂડ વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ફરાળી ખાદ્યચીજોના વિક્રેતાઓની હાઈજેનિક કન્ડિશન અને શંકાસ્પદ ફરાળી ખાદ્યચીજો અંગે સઘન સર્વેલન્સ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ચેકિંગ દરમિયાન કુલ 18 સ્થળોની તપાસ કરવામાં આવી હતી, જેમાંથી ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ-2006 હેઠળ દર્શાવેલ વિગતો મુજબ ફરાળી ખાદ્યચીજોના કુલ 5 નમૂના લેવામાં આવ્યા હતા. જોકે આ નમુનાનો રિપોર્ટ આવતા દર વખતની જેમ ત્રણેક મહિના જેટલો સમય લાગશે. ત્યાં સુધીમાં અનેક લોકોએ આવી વાનગીઓ જમી લીધી હશે.

રાજકોટ મનપાનાં ફૂડ વિભાગ દ્વારા દર વર્ષે શ્રાવણ મહિનામાં ફરાળી વાનગીઓનાં નમુના લેવામાં આવતા હોય છે. જેમાં ફરાળી પેટીસ તેમજ ફરાળી લોટમાં પણ આરોગ્યને નુકસાન કરે તેવી અને ઉપવાસ તૂટી જાય તેવી વસ્તુઓની ભેળસેળ થતી હોવાનું અગાઉ પણ સામે આવી ચૂક્યું છે. જોકે ફૂડ વિભાગ દ્વારા લેવાયેલા નમુનાનાં રિપોર્ટ ત્રણેક મહિના બાદ આવતા હોવાથી ત્યાં સુધી વેપારીઓ આવી વસ્તુઓનું વેચાણ કરતા હોય છે અને લોકો પણ તેનો મોટા પ્રમાણમાં ઉપયોગ કરતા હોય છે. જેને લઈ શ્રાવણ માસમાં ઉપવાસ તૂટી ગયા હોવાની અને આરોગ્યને નુકસાનકારક વસ્તુઓ જમી લીધી હોવા અંગે પણ લોકોને ત્રણ મહિના બાદ જાણ થાય છે. જોકે બાદમાં વેપારીઓ સામે દંડનીય કાર્યવાહી પણ કરવામાં આવે છે, પરંતુ તે ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળા સમાન બની રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *