લોકોએ ઝાડની ડાળી હટાવવા અરજી કરી તોPGVCLએ કહ્યું, પહેલા સ્માર્ટ મીટર લગાવો

શહેરના કૈલાશ પાર્ક વિસ્તારમાં આવેલા ‘સંકલ્પ સિદ્ધ’ એપાર્ટમેન્ટના રહીશો હાલમાં PGVCLના એક અજીબોગરીબ અને બેજવાબદાર વલણથી ભારે હાલાકી અને રોષ અનુભવી રહ્યા છે. ચોમાસાની મોસમ છે ત્યારે એપાર્ટમેન્ટના રહીશોએ વીજલાઈન પર લટકતી વૃક્ષની જોખમી ડાળીઓ દૂર કરવા માટે PGVCLમાં લેખિત અરજી કરી હતી, પરંતુ તેમને ચોંકાવનારો જવાબ મળ્યો છે.

PGVCLના સ્થાનિક અધિકારીએ આ અરજી સાથે મોકલેલા કર્મીઓને સ્પષ્ટ શબ્દોમાં લખી આપ્યું કે, ‘પહેલા સ્માર્ટ મીટર લગાવો, ત્યારબાદ ફરિયાદ એટેન્ડ કરશું’.

સ્થાનિકો દ્વારા સંભવિત અકસ્માતો, ખાસ કરીને ચોમાસા દરમિયાન વીજતાર પર ડાળીઓ પડવાથી થતાં શોર્ટ-સર્કિટ કે જીવલેણ અકસ્માતોને ટાળવા માટે તાત્કાલિક કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી. PGVCLના અધિકારીના આ નિવેદનથી એપાર્ટમેન્ટના રહીશોમાં વ્યાપક રોષ જોવા મળી રહ્યો છે.

રહેવાસીઓના મતે, સ્માર્ટ મીટર લગાવવાનો મુદ્દો એ PGVCLની આંતરિક કામગીરીનો ભાગ છે, જ્યારે વીજલાઈન પર લટકતી જોખમી ડાળીઓ દૂર કરવી એ જાહેર સુરક્ષા અને સંભવિત જાનહાનિને ટાળવાનો સીધો મુદ્દો છે. આ બંને મુદ્દાઓને એકબીજા સાથે જોડીને, PGVCL સત્તાવાળાઓ રહીશોના જીવ જોખમમાં મૂકી રહ્યા હોવાનું જણાઈ રહ્યું છે.

ચોમાસામાં ભારે પવન અને વરસાદને કારણે વૃક્ષની ડાળીઓ વીજતાર પર પડવાથી વીજપુરવઠો ખોરવાઈ શકે છે, શોર્ટ સર્કિટ થઈ શકે છે, અને ક્યારેક તો જીવલેણ વીજકરંટ પણ પ્રસરી શકે છે. ફ્લેટના રહીશોએ આ સમગ્ર ઘટનાનો વીડિયો રેકોર્ડ કર્યો છે. સ્થાનિકોએ કહ્યું કે, ચોમાસાની સિઝનમાં અકસ્માતે કોઈ શોર્ટ સર્કિટ થશે તો અમારા બાળકો નીચે પાર્કિંગમાં રમતાં હોય છે અને બાજુમાં મીટરો લગાવેલા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *