ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં રેગિંગની અસામાજિક પ્રવૃત્તિને ડામવા માટે યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) એ અત્યંત કડક વલણ અપનાવ્યું છે. UGC દ્વારા તાજેતરમાં જાહેર કરાયેલી માર્ગદર્શિકા મુજબ, રેગિંગના ગુનેગારો તેમજ તેને રોકવામાં નિષ્ફળ રહેતી સંસ્થાઓ સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે. આ પગલાંનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓ માટે સુરક્ષિત અને ભયમુક્ત શૈક્ષણિક વાતાવરણ પૂરું પાડવાનો છે. આ ઉપરાંત રેગિંગ કરતા પકડાશે તે વિદ્યાર્થીની શિષ્યવૃત્તિ રદ થશે, 1 માસ માટે સસ્પેન્ડ કે પ્રવેશ રદ કરાશે.
આ અગાઉ પણ યુજીસીએ કહ્યું હતું કે, જો ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં વોટ્સએપ ગ્રૂપ દ્વારા જુનિયર વિદ્યાર્થીઓને હેરાન કરવામાં આવે છે તો તેને રેગિંગ ગણવામાં આવશે. આવા કિસ્સાઓમાં, રેગિંગ વિરોધી નિયમો હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવશે. યુજીસીએ ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓને અનૌપચારિક વોટ્સએપ ગ્રૂપ પર નજર રાખવા નિર્દેશ આપ્યો છે. યુજીસીએ નિર્દેશમાં કહ્યું છે કે, ઘણા કિસ્સાઓમાં સિનિયર વિદ્યાર્થીઓ અનૌપચારિક વોટ્સએપ ગ્રૂપ બનાવે છે, નિયમોનું પાલન ન કરતી સંસ્થાઓના અનુદાનને પણ રોકી શકાય છે.
કોલેજ કે યુનિ.માં રેગિંગ કરતા પકડાશે તેની સામે આવા પગલાં લેવાશે
શિષ્યવૃત્તિ અને અન્ય લાભો રદ કરવા : રેગિંગમાં સંડોવાયેલા વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ અને અન્ય શૈક્ષણિક લાભો રદ કરી શકાય છે. આ પગલું સ્પષ્ટપણે દર્શાવે છે કે ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ રેગિંગની ઘટનાઓને કેટલી ગંભીરતાથી લઈ રહી છે. UGCનો આગ્રહ છે કે સંસ્થાઓએ આવા કૃત્યો સામે શૂન્ય સહિષ્ણુતા દાખવવી જોઈએ.
પ્રવેશ રદ કરવો : કોઈપણ વિદ્યાર્થી રેગિંગની પ્રવૃત્તિમાં સંડોવાયેલો જણાય તો તેનો પ્રવેશ રદ કરવા સુધીના પગલાં લઈ શકાય છે. UGCએ સ્પષ્ટ કર્યું છે કે તમામ વિદ્યાર્થીઓ માટે સમાનતાપૂર્ણ અને સુરક્ષિત શૈક્ષણિક વાતાવરણ સુનિશ્ચિત કરવું એ સંસ્થાઓની પ્રાથમિક ફરજ છે અને આ સુનિશ્ચિત કરવા માટે રેગિંગ કરનારનો પ્રવેશ રદ કરવો અત્યંત જરૂરી છે.