હાર્ટએટેકથી મૃત્યુના વધુ બે બનાવો બન્યા છે. જેમાં ગાંધીગ્રામ શાસ્ત્રીનગરમાં મહિલા અને કુવાડવા રોડ મારૂતિનગરમાં રહેતાં પ્રૌઢને ઘરે બેભાન થઈ જતાં સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતાં. જ્યાં બંનેનું હૃદય બેસી જવાને કારણે મોત નીપજ્યું હતું.
ગાંધીગ્રામ ફાયર સ્ટેશન પાછળ શાસ્ત્રીનગર-6માં રહેતા કિરણબેન મનોજભાઈ કણઝારિયા(ઉ.વ.35)નામના મહિલાનું રાતે સાડા બારેક વાગ્યા આસપાસ ઘેર તબિયત લથડવાના કારણે બેભાન થઈ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જ્યાં ચાલુ સારવારમાં તેમનું મોત નીપજ્યું છે. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે સ્થાનિક પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પિટલ પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. વધુમાં મૃતકને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. પતિ પ્લમ્બિંગ કામ કરે છે. બીજા બનાવમાં કુવાડવા રોડ મારૂતિનગર આંબાભગતની શેરીમાં રહેતા વસંતભાઈ હરજીભાઈ મેંદપરા (ઉ.વ.57)નું રાતે અગિયારેક વાગ્યે ઘરે તબિયત લથડવાના કારણે સિવિલમાં ખસેડાયા હતાં. જ્યાં સારવાર લીધા પૂર્વે મોત નીપજ્યું હતું. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે બી-ડિવિઝન પોલીસને જાણ કરી હતી. પોલીસે હોસ્પિટલ પહોંચી બનાવ અંગે વધુ પૂછપરછ હાથ ધરી છે.