મહાનગરપાલિકામાં રજૂઆત કરવા પહોંચેલા આપના નેતાને હાર્ટ એટેક આવ્યો

રાજકોટ કોર્પોરેશનમાં રજૂઆત કરવા પહોંચેલા આપના નેતા વિજયસિંહ જાડેજાને હાર્ટ એટેક આવ્યો હતો. તેમને તત્કાલ સારવારમાં ખસેડાયા હતા. આમ આદમી પાર્ટીના પ્રદેશ સહસંગઠન મંત્રી વિજયસિંહને પ્રથમ સિવિલ હોસ્પિટલ ખસેડાયા બાદ સિનર્જી હોસ્પિટલમાં રીફર કરાયા હતા. ક્ષત્રિય આગેવાનો અને આપના અગ્રણીઓ-કાર્યકરો દોડી આવ્યા હતા. આ અંગે આમ આદમી પાર્ટીના અગ્રણી નૈમિષભાઈ પાટડીયા અને ઇમરાનભાઈ કામદારે જણાવ્યું કે, આજે આમ આદમી પાર્ટી દ્વારા કોર્પોરેશનમાં આરોગ્ય અધિકારી અને કમિશનરને રજૂઆત કરવા જવાના હતા. ગઈકાલે દંપતીએ કોર્પોરેશનના પટાંગણમાં આરોગ્ય અધિકારી વિરુદ્ધ ધારણા કર્યા હતા તે બાબતે રજૂઆત કરવાની હતી. ત્યાં વિજયસિંહ તખતસિંહ જાડેજા (ઉં.વ. 38, રહે. નંદનવન સોસાયટી, આત્મીય કોલેજ સામે, કાલાવડ રોડ, રાજકોટ) ત્યાં પહોંચ્યા હતા. તેઓ આવ્યા ને થોડી જ મિનિટો થઈ હશે ત્યાં તેઓ બેભાન થઈ ઢળી પડ્યા હતા.

ત્યાં હાજર ઈમરાનભાઈ, નૈમિષભાઈ સહિતનાએ સીપીઆર આપ્યું હતું. 108માં સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા. માહિતી મળતા જ આમ આદમી પાર્ટીના અગ્રણીઓ અને ક્ષત્રિય આગેવાનો સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા હતા.વિજયસિંહને સિવિલ હોસ્પિટલમાંથી સિનર્જી હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા છે હાલ તેઓ ICUમાં હોવાનું જાણવા મળ્યુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *