હુમલાની ઘટનામાં ફરિયાદ કરવા ગયેલા આધેડને લાકડી ફટકારી PSIએ હડધૂત કર્યા

શહેરના રૈયા રોડ પર ઓવરટેકના મુદ્દે બાઇકચાલક અને તેની સાથે રહેલી મહિલા સાથે માથાકૂટ થઇ હતી. રૈયાધાર ઇન્દિરાનગરમાં રહેતા દિનેશભાઇ કરશનભાઇ મકવાણાએ ફરિયાદમાં આરોપી તરીકે ઋષિ ધર્મેન્દ્ર, તેની સાથેની એક મહિલા, યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના પીએસઆઇ એન.કે.પંડ્યા અને સિવિલ ડ્રેસમાં તે વખતે સાથે રહેલો પોલીસ કોન્સ્ટેબલના નામ આપ્યા હતા. દિનેશભાઇએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત તા.15 મેના પોતે પોતાનું બાઇક ચલાવીને જતા હતા ત્યારે ઋષિ નામના શખ્સે હોર્ન વગાડી ઓવરટેક કરવા બાબતે અપશબ્દ બોલ્યો હતો અને ઋષિ તથા તેની સાથેના મહિલાએ ઢીકાપાટુનો માર માર્યો હતો.

મહિલા સહિત બે શખ્સે કરેલા હુમલા અંગે ફરિયાદ કરવા દિનેશભાઇ યુનિવર્સિટી પોલીસ સ્ટેશને ગયા હતા તો ત્યાં ફરજ પર રહેલા પીએસઆઇ એન.કે. પંડ્યાએ દિનેશભાઇને ઉપરના રૂમમાં લઇ જઇ પ્લાસ્ટિકની લાકડીથી માર માર્યો હતો અને તેની સાથેના કોન્સ્ટેબલે હાથ પકડી રાખ્યા હતા. ઋષિ, મહિલા અને પીએસઆઇ પંડ્યાએ જ્ઞાતિ અંગે હડધૂત પણ કર્યા હતા. પોલીસે એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *