શહેરમાં વધુ એક યુવક સાયબર ફ્રોડનો શિકાર બન્યો હતો, યુવકનો એક યુવતીએ સોશિયલ મીડિયાના માધ્યમથી સંપર્ક કરી મિત્રતા કેળવ્યા બાદ યુવકને ફોરેક્સ ટ્રેડિંગમાં વધુ રિટર્નની લાલચ આપી રોકાણ શરૂ કરાવ્યું હતું અને યુવક પાસેથી કટકે કટકે રૂ.13.30 લાખ પડાવી લીધા હતા. રણુજા મંદિર પાસે શિવધામ સોસાયટીમાં રહેતા અને એડવર્ટાઇઝીંગનું કામ કરતા રવિ જગદીશભાઇ વીરપરિયા (ઉ.વ.36)એ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદમાં આરોપી તરીકે અલગ અલગ બેંક એકાઉન્ટના નામ નંબર આપ્યા હતા.
યુવકે ફરિયાદમાં જણાવ્યું હતું કે, વર્ષ 2025માં બમ્પી નામની સોશિયલ ડેટિંગ એપમાં શ્રુતિ શર્માનું ફ્રેન્ડ સજેશન જોવા મળતાં યુવકે તેને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી. બંને મિત્ર થયા બાદ વાતચીત શરૂ કરી હતી. ફોરેક્સ ટ્રેડિંગ કરવાથી વધુ વળતર મળશે તેમ કહી રવિને લીંક મોકલી હતી અને તેમાં રવિનું એકાઉન્ટ ખોલી નાખ્યું હતું, ટ્રેડિંગ કરવાનું કહેતા રવિએ કટકે કટકે રૂ.13,30,520 અલગ અલગ બેંક ખાતામાં જમા કર્યા જેમાં વળતર નહીં મળતા છેતરપિંડી થયાનું માલુમ પડ્યું હતું.