રાજકોટ જિલ્લાની ગ્રામપંચાયતની ચૂૂંટણીને આડે હવે માત્ર 11 દિવસ જ બાકી રહ્યા છે. તંત્ર અને અધિકારી પણ તૈયારીમાં લાગી ગયા છે. મંગળવારે જિલ્લા પંચાયતોની ચૂંટણીના ઓબ્ઝર્વર રાજકોટમાં આવ્યા હતા. તેમજ કલેક્ટર, પ્રાંત અધિકારી સાથે બેઠક કરી હતી. આજે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ છે. સાંજ સુધીમાં ચિત્ર સ્પષ્ટ થઈ જશે.
ચૂંટણી ઓબ્ઝર્વરે કલેક્ટર, પ્રાંત અધિકારી સાથેની બેઠકમાં ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરી હતી. રાજકોટ જિલ્લામાં 64 ગ્રામપંચાયતની સામાન્ય અને 243 ગ્રામપંચાયતની પેટા ચૂંટણી યોજાશે. આ ચૂંટણીમાં રાજકોટ તાલુકાના પાંચ ગામની સામાન્ય ચૂંટણી સરપંચ પદ માટે 23 અને સભ્ય પદ માટે 62 ઉમેદવારી ફોર્મ ભરાયા છે. જ્યારે કોટડાસાંગાણી તાલુકાની બે ગ્રામપંચાયતની સામાન્ય ચૂંટણીમાં સરપંચ પદ માટે 132 અને સભ્ય પદ માટે 21 ઉમેદવારી ફોર્મ ભરાયા છે.
જ્યારે લોધિકાની એક પંચાયતમાં સરપંચ પદ માટે 6 અને સભ્ય માટે 11, પડધરી તાલુકાની ત્રણ ગ્રામપંચાયતની સામાન્ય ચૂંટણીમાં સરપંચ માટે 11, સભ્ય માટે 37, ગોંડલની 6 પંચાયતમાં સરપંચની ચૂંટણી માટે 24 અને સભ્ય માટે 130 ઉમેદવારે ફોર્મ ભર્યા છે.
જેતપુર માટે ત્રણ પંચાયતમાં સરપંચ માટે 11, સભ્યો માટે 77, ધોરાજીની બે ગ્રામપંચાયતમાં સરપંચ માટે 12 અને સભ્ય માટે 75 ,જામકંડોરણાની સાત પંચાયતમાં સરપંચ માટે 15 અને સભ્યો માટે 67, જસદણની 15 પંચાયતમાં સરપંચ માટે 54 અને સભ્ય માટે 259, વીંછિયાની 16 પંચાયતમાં સરપંચ માટે 66, સભ્ય માટે 248 ફોર્મ ભરાયા છે. આમ કુલ જિલ્લાની 64 પંચાયતમાં સરપંચ માટે 259 અને સભ્ય માટે 1037 ઉમેદવારે ફોર્મ ભરીને દાવેદારી નોંધાવી છે.આજ સાંજ સુધીમાં ગ્રામપંચાયતોની ચૂંટણીનું ચિત્ર સપષ્ટ થઈ જશે.