શહેરમાં કોઠારિયા રોડ પર ભવનાથ સોસાયટીમાં અને હાલ માવતરના ઘેર ગાંધીગ્રામ પાસેના ગોવિંદનગરમાં રહેતી પરિણીતાએ પુત્રીને જન્મ આપ્યા બાદ પતિ સહિતના સાસરિયાઓ મારકૂટ કરી મેણા મારી ત્રાસ આપતા હોવાની ફરિયાદ કરતા ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવાની કાર્યવાહી કરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ગોંવિદનગરમાં માવતરના ઘેર રહેતા પાયલબેન અમિતગીરી ગૌસ્વામી નામની પરિણીતાએ ફરિયાદ કરી હતી જેમાં આરોપી તરીકે તેના પતિ અમિતગીરી, સસરા ભુપતગીરી ઇશ્વરગીરી ગૌસ્વામી અને સાસુ રક્ષાબેનના નામો આપ્યા હતા. ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેના લગ્ન સન. 2020માં અમિત સાથે થયા હતા અને અમે સંયુકત કુટુંબમાં રહેતા હોય લગ્ન બાદ સારી રીતે રહેતા હતા બાદમાં અમારા ઘેર પુત્રીનો જન્મ થતા સાસુ સહિતનાને ગમતું ન હોય અને નાની વાતમાં ઝઘડો કરી હેરાન કરતા હતા અને સાસુ, સસરા કહેતા હતા કે તું કરિયાવર ઓછો લાવી છો તારા બાપે તને કાંઇ આપ્યું જ નથી કહી મેણા મારતા અને મારા માવતરો વિરૂધ્ધ અવારનવાર બોલતા હતા. બાદમાં મારા પતિને સુરત મુકામે નોકરી મળી જતા અમે પુત્રી સાથે સુરત રહેવા જતા રહ્યા હતા. સાતેક માસ રહ્યા હતા. ત્યારે મારા પતિ મને મારકૂટ કરતા હતા અને મારા કાકાની પુત્રીના લગ્ન હોય ત્યારે મારા પતિ મારી સાથે ઝઘડો કરી મને રાજકોટ માવતરે મુકી ગયા હતા અને મને ધમકી આપી હતી કે મારકૂટ કરી હોવાની કોઇને વાત કરતી નહીં નહીતર પરત આવીશ તો તને જાનથી મારી નાખીશ અને તારા માતા,પિતાને પણ મારી નાખીશ કહી ધમકી આપી હોય માવતરે આવી વાત કરી ફરિયાદ કરી હતી. પીએસઆઇ જાડેજા સહિતે પતિ સહિતના સામે ગુનો નોંધી કાર્યવાહી કરી છે.