1 કરોડનો ચેક રિટર્ન થવાના કેસમાં લોનધારકને પોણા બે વર્ષની સજા

રાજકોટના મહિન્દ્રા એન્ડ મહિન્દ્રામાંથી તાલાલાના ધીરેન્દ્ર જેસાભાઇ ચંદેરાએ ચાર કોમર્સિયલ વાહનો ખરીદવા માટે લોન લીધી હતી અને તે લોન ભરવા માટે આરોપીએ રૂ.1 કરોડનો ચેક કંપનીમાં જમા કરાવ્યો હતો. જે ચેક રિટર્ન થતા કંપની વતી તેમના જવાબદાર અધિકારી ચંદ્રજિતસિંહ બલભદ્રસિંહ ગોહિલ દ્વારા ધી નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 હેઠળ ફરિયાદ દાખલ કરાઇ હતી.

જે કેસ ચાલી જતા ફરિયાદ પક્ષના વકીલ નેહાબેન દફતરીએ એવી રજૂઆતો કરી હતી કે, ફરિયાદીની જુબાની જોતા આપવામાં આવેલો ચેક કાયદેસરના લેણા પેટેનો નથી તેવી કોઇ જ હકીકત બચાવપક્ષ દ્વારા કોર્ટના રેકર્ડ પર આવેલ ન હોય, તેમજ આરોપીએ એવો બચાવ લીધેલો હતો કે, એડવાન્સ ચેક આપેલો હતો તેનો દુરુપયોગ કરી હાલની ખોટી ફરિયાદ કરેલ છે જે બચાવ સાબિત કરવા કોઇ જ સાક્ષી તપાસેલ ન હોય અને અન્ય રીતે પણ ફરિયાદ પક્ષના કેસને ખોટો પાડતા સંજોગો કોર્ટના રેકર્ડ પર ન લાવેલ હોય સિવિલ જજ અશ્વિનીકુમાર ડેર દ્વારા આરોપીને 1 વર્ષ 9 માસની સજા અને ચેક મુજબનું વળતર 60 દિવસમાં ચૂકવવા હુકમ કર્યો છે. જો વળતર ન ચૂકવે તો વધુ 6 માસની સાદી કેદની સજાનો આદેશ કર્યો છે.

કોઠારિયા રોડ પર રહેતા વેપારી ભાવેશ ગોરધનભાઇ સરધારાએ ધવલ રતિલાલ તાળા નામના વેપારીને રૂ.10 લાખ હાથ ઉછીના આપ્યા હતા. જે અંગેનું લખાણ રૂ.100ના સ્ટેમ્પ પેપર ઉપર બન્ને પક્ષકારો વચ્ચે કરાયું હતું. આરોપી ધવલે ફરિયાદી ભાવેશને રૂ.10 લાખ પરત કરવા આપેલો ચેક પરત ફરતાં ફરિયાદીએ કેસ કર્યો હતો જેમાં કોર્ટે આરોપી ધવલ રતિભાઇ તાળાને તકસીરવાન ઠરાવી બે વર્ષની સાદી કેદ અને રૂ.12.50 લાખ વળતર ચૂકવવા હુકમ કર્યો હતો. જેનાથી નારાજ ધવલ તાળાએ રાજકોટની સેશન્સ કોર્ટમાં અપીલ કરતાં કોર્ટે આરોપીની અપીલ નામંજૂર કરી નીચલી કોર્ટનો હુકમ યથાવત્ રાખ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *