રાજકોટ શહેરમાં રેસકોર્સ મેદાન ખાતે સરસ મેળાનું આયોજન કરાયું છે જે 4 મે સુધી ચાલુ રહેશે. આ મેળામાં 64 સ્ટોલધારકોએ લાભ લીધો છે. બહેનોને પગભર કરવા માટે લાઈવલીહૂડ પ્રમોશન કંપની લિમિટેડ દ્વારા સરસ મેળો યોજાયો છે. જેમાં બહેનોએ બનાવેલી વિવિધ ચીજવસ્તુ જોવા મળશે. શુક્રવારે આ મેળાનું ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું. ઉદ્ધાટન સમયે પહેલગામમાં થયેલા આતંકી હુમલાના મૃતકોને શ્રધ્ધાંજલિ આપી હતી.
રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખના અધ્યક્ષસ્થાને મેળાનો ઉદ્ધાટન સમારોહ યોજાયો હતો. આ તકે જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવીણાબેન રંગાણીએ જણાવ્યું હતું કે, મહિલા એ શકિતનું સ્વરૂપ મનાય છે ત્યારે આ પ્રકારના સખીમેળા એ મહિલાઓમાં રહેલી સુષુપ્ત કલાઓને ખીલવવાનું એક માધ્યમ બન્યા છે. આજના સમયમાં મહિલાઓ આત્મનિર્ભર બને તે જરૂરી છે. કારણ કે મહિલાઓ પગભર બનશે તો તેમના થકી પરિવારજનો અને સમાજની પ્રગતિ થશે. ધારાસભ્ય દર્શિતાબેન શાહે જણાવ્યું હતું કે, પંચાયતથી પાર્લામેન્ટ સુધી મહિલાઓનું યોગદાન અમૂલ્ય છે.