બોટલથી સગીરનાં મોતના બનાવમાં ટ્રેનના પાઇલટ ઝબ્બે

શાપર-વેરાવળમાં રેલવેના પાટા પાસે ચાલુ ટ્રેનમાંથી ફેંકાયેલી પાણીની બોટલ છાતીમાં લાગતાં સગીરનું મોત નીપજ્યું હતું. બનાવને પગલે શાપર પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી સીસીટીવીના આધારે તપાસ કરતાં વેરાવળ બાન્દ્રા ટ્રેનના પ્રથમ ડબ્બામાંથી બોટલનો ઘા થયો હોવાનું બહાર આવતા પોલીસે તપાસ કરી ટ્રેનના પાઇલટની ધરપકડ કરી વધુ કાર્યવાહી કરી છે.

શાપર-વેરાવળમાં ગણેશનગર પાસે ગેલ્વેનાઇઝ કારખાનાની ઓરડીમાં રહેતો બાદલ સંતોષભાઇ ઠાકર (ઉ.14) 31-4ના રોજ તેના મિત્રો સાથે ઘર નજીક રેલવેના પાટા પાસે રમતો હતો ત્યારે ચાલુ ટ્રેનમાંથી કોઇએ પાણીની બોટલ ફેંકતા તેને છાતીમાં લાગતાં તે ત્યાં જ બેભાન થઇ ઢળી પડ્યો હતો. દરમિયાન તેના પિતા સહિતના પરિવારએ આવી જાણ કરતાં 108ની ટીમ સહિતના તબીબે પહોંચી સગીરને મૃત જાહેર કર્યો હતો. બનાવને પગલે શાપર પોલીસ મથકના પીઆઇ રાણા સહિતના સ્ટાફે સગીરના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડી સગીરના પિતા સંતોષભાઇની ફરિયાદ પરથી અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી. પોલીસની તપાસમાં રેલવેના પાટા પાસેના કારખાના પાસે આવેલા ઓમ રિંગ કારખાનાની બહાર લગાવવામાં આવેલા સીસીટીવી ફૂટેજની તલાશી લેતા વેરાવળ-બાન્દ્રા ટ્રેનમાંથી પાણીની બોટલ ફેંકાયેલી બહાર આવી હતી. તેમજ ટ્રેનના પ્રથમ ડબ્બામાં પાઇલટ તેમજ આસિસ્ટન્ટ લોકો બેસતા હોય વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસની વધુ તપાસમાં ટ્રેનમાં બે પાઇલટ હોવાનું બહાર આવતા પોલીસે બન્નેની પૂછતાછ કરતાં પાઇલટ શિવારામ સુલતાનરામ શર્માએ પાણીની બોટલ ફેંકી હોવાનું બહાર આવતાં તેની ધરપકડ કરી વધુ કાર્યવાહી કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *