રાજકોટ શહેરના ઇન્દિરા સર્કલ નજીક ચાર દિવસ પૂર્વે થયેલા સિટીબસના અકસ્માત કેસમાં ગાંધીગ્રામ પોલીસે આરોપી બસચાલક શિશુપાલસિંહ રાણાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત પોલીસે દિલ્હીની PMI અને પેટા કોન્ટ્રાકટમાં કામ કરતી વિશ્વમ એજન્સીને પણ નોટિસ પાઠવી તેમના નિવેદન નોંધવા માટે તજવીજ હાથ ધરી છે. એજન્સીના નિવેદન બાદ જરૂર જણાય તો કોઈની જવાબદારી નક્કી થશે તો જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આરોપી બસચાલક દ્વારા સમયસર બ્રેક ન લાગી શકી અને એક્સિલેટર દબાય જતા અકસ્માત સર્જાયાનું રટણ પોલીસ સમક્ષ કર્યું હતું.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઇન્દિરા સર્કલ નજીક સિટીબસનો અકસ્માત સર્જાયો હતો, જેમાં ચાર લોકોના મોત નિપજ્યા હતા અને ચાર લોકો ઈજાગ્રસ્ત થયા હતા. બસચાલક શિશુપાલસિંહ રાણા પણ અકસ્માત બાદ ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ગઈકાલે તેને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપતા તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.