ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC) દ્વારા આગામી તારીખ 20 એપ્રિલને રવિવારે પહેલીવાર નવા નિયમ પ્રમાણે રાજકોટ સહિત રાજ્યભરમાં વર્ગ-1 અને 2ની પ્રિલિમ પરીક્ષા લેવાનાર છે. આ પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં લેવા માટે જિલ્લા શિક્ષણ વિભાગ તડામાર તૈયારી કરી રહ્યું છે. રાજકોટમાં આશરે 32 જેટલા કેન્દ્રમાં અંદાજિત 7 હજાર ઉમેદવાર પરીક્ષા આપવાના છે. દરેક જિલ્લા કેન્દ્રો પર બપોરે 12થી 3 વાગ્યા દરમિયાન જીપીએસસીની પ્રિલિમ પરીક્ષા લેવાશે. જીપીએસસીની ક્લાસ-1ની 39 અને 2ની 168 સહિતની કુલ 244 પોસ્ટ પર ભરતી માટેની પ્રિલિમ્સ 20 એપ્રિલે યોજાશે. કુલ 200 માર્કનું પેપર સામાન્ય અભ્યાસનું રહેશે.
GPSC દ્વારા સિવિલ સર્વિસીઝ એક્ઝામિનેશનના માર્કના માળખામાં ફેરફાર કરવામાં આવ્યો છે. 200 માર્કસની પ્રિલિમ પરીક્ષામાં કુલ 200 માર્કસના ઓબ્જેક્ટિવ પ્રશ્નો પૂછાશે, અગાઉ કુલ 400 માર્કસની ઓબ્જેક્ટિવ પ્રશ્નો પર આધારિત પરીક્ષા યોજાતી હતી. ત્યારબાદ મુખ્ય લેખિત પરીક્ષા 1250 માર્કની રહેશે. 20 એપ્રિલના GPSC દ્વારા ક્લાસ 1 અને 2ની જગ્યાઓ માટે લેવાનારી પરીક્ષા નવા માળખાના આધારે લેવામાં આવશે. મુખ્ય લેખિત પરીક્ષા સંભવત 20,21,27,28 સપ્ટેમ્બરના રોજ લેવામાં આવી શકે છે.
રાજકોટમાં જુદા જુદા 32 જેટલા કેન્દ્રમાં જીપીએસસીની વર્ગ 1 અને 2ની પરીક્ષા લેવામાં આવનાર છે. આ માટે પરીક્ષા આપનાર ઉમેદવારોની સાથે સાથે પરીક્ષા લેનાર તંત્રની પણ કસોટી થશે. પહેલીવાર નવા નિયમો સાથે આ પરીક્ષા લેવામાં આવનાર છે જેના માટે રાજકોટ સહીત રાજ્યભરમાં તડામાર તૈયારી ચાલીરહી છે.