રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીના નામનો નકલી નકશો છેલ્લા ત્રણેક દિવસથી સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે અને કોઇ હિત ધરાવતા તત્ત્વોએ નકલી નકશો વાઇરલ કરી તેમાં પડધરી, લોધિકા સહિતના તાલુકાના 24 ગામને રૂડાની હદમાં ભેળવી દેતા વહીવટી તંત્ર પણ ચોંકી ઉઠ્યું હતું અને તાત્કાલિક આ મુદ્દે પોલીસ કમિશનરને લેખિત ફરિયાદ કરી છે. બીજીબાજુ આ નકલી નકશો વાઇરલ કરી કોઇ ભેજાબાજે મોટો ખેલ પાડી દીધાની શંકા પણ સેવાઇ રહી છે.
જાણવા મળતી વિગતો અનુસાર કોઇ શખ્સે રૂડાનો નવો નકશો તૈયાર કર્યો હતો. હાલમાં રૂડામાં 48 ગામનો સમાવેશ થાય છે અને રૂડાની હદ 512 સ્ક્વેર કિલોમીટરની છે ત્યારે કોઇ હિત ધરાવતા તત્ત્વોએ તેમાં નવા 24 ગામ ઉમેરીને નવો નકશો બનાવી ટોચના વકીલ અને આર્કિટેક્ટના ગ્રૂપમાં મૂકી દીધો હતો. આ ફેક નકશો વાઇરલ થતાં જ અનેક બિલ્ડર્સ અને આર્કિટેક્ટ ઉપરાંત વકીલો પણ તેની તપાસ કરવા દોડ્યા હતા અને હકીકતમાં રૂડાની હદમાં ફેરફાર થયો છે કે કેમ તેની તપાસ હાથ ધરતા આ નકશો ફેક હોવાની જાણ થઇ હતી. આ મુદ્દે સીઆઇ જી.વી.મીયાણીનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયામાં ફરતો નકશો ફેક છે. કોઇએ રૂડાના લોગો સાથે તે નકલી નકશો બનાવી વાઇરલ કર્યો છે.