પૂરપાટ જતી કારની ઠોકરે ચડી જતાં ત્રણ બહેનના એકના એક ભાઇનું મોત

શહેરમાં કાલાવાડ રોડ પર પૂરપાટ જતી કારે બાઇકને ઠોકરે લેતા ત્રણ બહેનના એકના એક ભાઇનું મોત નીપજતા તેના પરિવારમાં કલ્પાંત સર્જાયો છે. બનાવને પગલે પોલીસે તપાસ કરતા વિરાણી હાઇસ્કૂલ પાસે ફૂડ સ્ટોલ ચલાવતા આધેડ સાથે કામ કરતી મહિલાને લઇને બ્રેડ લેવા જતા હતા અને આ બનાવ બન્યો હોવાનું બહાર આવતા પોલીસે વધુ કાર્યવાહી કરી છે.

બનાવ અંગે પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ કોઠારિયા રોડ પર મેહુલનગરમાં રહેતા અને વિરાણી હાઇસ્કૂલ પાસે ફૂડ સ્ટોલ ચલાવતા શૈલેષભાઇ હાસાનંદભાઇ બુલવાણી (ઉ.44) અને તેની સાથે કામ કરતા સોનલબેન યોગેશભાઇ રાઠોડ રવિવારે બાઇકમાં બેસી કાલાવાડ રોડ પર બ્રેડ લેવા માટે જતા હતા ત્યારે સરાઝા રેસ્ટોરન્ટ પાસે પૂરપાટ જતી કારે ઠોકરે લેતા બન્નેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. જેમાં ગંભીર રીતે ઘવાયેલા શૈલેષભાઇનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બનાવને પગલે તાલુકા પોલીસ મથકના પીએસઆઇ ડીંડોર સહિતના સ્ટાફે તપાસ કરતા મૃતક આધેડને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી હોવાનું અને મૃતક ત્રણ બહેનમાં એકના એક ભાઇ હોવાનું અને પરિવારના આધારસ્થંભ હોવાનું બહાર આવતા પોલીસે બનાવમાં કારચાલક સામે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવાની કાર્યવાહી કરી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *