રાજકોટ સહિત સૌરાષ્ટ્રના 141 ડેમોમાં 50 ટકા પાણી ઉપલબ્ધ

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ગરમીનો પ્રકોપ વધ્યો છે. ગરમીમાં અતિશય વધારો થતાં સ્વાભાવિક રીતે હવે પાણીની માંગમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. જેને લઈને રાજકોટ જિલ્લામાં પાણીની તંગી સર્જાવાની શક્યતા ઉભી થઇ છે. હાલ સૌરાષ્ટ્રનાં 141 ડેમોમાં માત્ર 50 ટકા પાણીનો જથ્થો હોવાથી આગામી સમયમાં હવે પાણીની મુશ્કેલી સર્જાય તેવી સંભાવના છે. જોકે હાલ રાજકોટ જિલ્લાનાં 26 ડેમોમાં પાણીનો પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ હોવાથી કોઈ મુશ્કેલી ઉભી નહીં થવાનો દાવો રાજકોટ જિલ્લા પંચાયતનાં નાયબ કાર્યપાલક ઈજનેર જયદીપ લાવડીયાએ કર્યો હતો. અને જરૂર પડ્યે સૌની યોજના દ્વારા પાણી મંગાવવાની ખાતરી આપી હતી.

નાયબ કાર્યપાલક ઈજનેર જયદીપ લાવડીયાનાં કહેવા મુજબ હાલ ઉનાળાની સિઝન શરૂ થતાં ગરમીમાં વધારો થયો છે. જેને લઈ પાણીની માંગ પણ વધી છે. સૌરાષ્ટ્રના 141 જેટલા નાનામોટા ડેપોમાં કેપેસિટીનાં 50% જેટલો પાણીનો જથ્થો હાલ ઉપલબ્ધ છે. ગતવર્ષની તુલનાએ આ ઉનાળાનાં પ્રારંભે આ સ્ટોરેજ ઘણું સારું છે. ત્યારે પાણીની ખાસ મુશ્કેલી થવાની શક્યતા નથી. રાજકોટ જિલ્લાના 26 ડેમોની વાત કરીએ તો ભાદર-1 તેમજ ભાદર-2 સૌથી મોટા ડેમો છે. જેમાં ભાદર-1માં 57% તેમજ ભાદર-2 આશરે 87% ભરેલો છે. તો રાજકોટ શહેરની જીવાદોરી સમાન આજી-1 અને ન્યારી-1માં પાણીનો પૂરતો જથ્થો છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, તાજેતરમાં સૌની યોજના દ્વારા આજી-1 અને ન્યારી-1 ડેમમાં પાણી ઠાલવવામાં આવ્યું હતું. જેને લઈને હાલ આજી 1 અને આજી-2માં 94 અને 87 ટકા પાણીનો જથ્થો છે. જ્યારે ન્યારી 1 અને ન્યારી 2 ડેમમાં 91 અને 80 ટકા પાણી ઉપલબ્ધ છે. રાજકોટ જિલ્લાનાં જળાશયોમાં કેટલા ટકા પાણી છે તેના ઉપર અમારા દ્વારા સતત મોનીટરીંગ કરવામાં આવે છે. રાજકોટ જિલ્લાનાં ક્યાં ડેમમાં કેટલું પાણી છે અને આવતા મહિને કેટલા પાણીની જરૂર પડશે તે અંગે કલેક્ટર તંત્ર પાસેથી વિગતો એક મહિના અગાઉ મેળવી લેવામાં આવે છે અને જરૂર પડ્યે સૌની યોજના મારફતે પાણી મંગાવવામાં આવતું હોય છે. ત્યારે ઉનાળામાં પણ પાણીની કોઈ મુશ્કેલી થવાની શક્યતા નથી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *