5 વર્ષમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 17,450 નાપાસ વિદ્યાર્થીને પાસ કરી દેવાયા, પાસ થયેલા 16,851 વિદ્યાર્થીને ફર્સ્ટ અને સેકન્ડ ક્લાસ આવે એટલા માર્ક વધ્યા. ‘દિવ્ય ભાસ્કરે’ 5 વર્ષના પરીક્ષા વિભાગના એસેસમેન્ટના આંકડા તપાસતા ઘણા ગોટાળા બહાર આવ્યા હોવાનો અહેવાલ પ્રકશિત કર્યા બાદ તાજેતરમાં જ કુલપતિએ આ અંગે કેટલાક મહત્વના નિર્ણય લીધા છે.
પેપર રી-એસેસમેન્ટમાં માર્કમાં 20%થી વધુનો ફરક આવશે તેવા પ્રોફેસરના કેસ EDICમાં મુકાશે. કુલપતિ ડૉ. ઉત્પલ જોષીએ કહ્યું હતું કે, પરીક્ષાના રી-એસેસમેન્ટમાં જ્યારે બહુ મોટો તફાવત ન આવે તેના માટે પ્રોફેસરોને તાકીદ કરી છે અને અગાઉ કાર્યરત હતી તે EDIC (એક્ઝામિનેશન ડિસિપ્લિનરી ઇન્ક્વાયરી કમિટી) પણ પુનર્જિવિત કરી છે.
કુલપતિએ વધુમાં જણાવ્યું હતું કે જ્યારે મેં કુલપતિ તરીકે ચાર્જ લીધો ત્યારબાદ મેં પણ કેટલાક સૂચનો કર્યા છે કે એસેસમેન્ટનું કામ થોડું સત્વરે થાય, જેથી કરીને પરિણામ જાહેર કરવામાં વિલંબ થતો હોય છે તેને નિવારી શકીએ. પરીક્ષા વિભાગ ફૂલપ્રૂફ થાય અને ગેરરીતિના ખુબ ઓછા બનાવ બને, પરિણામમાં વિલંબ ન થાય, માર્ક્સની અંદર બહુ વધારે સુધારા ન આવે તેના માટે EDIC (એક્ઝામિનેશન ડિસિપ્લિનરી ઇન્ક્વાયરી કમિટી) જે જૂની સિસ્ટમ હતી તેને પુનર્જિવિત કરીને સુધારો લાવીશું. આમ તમે જુઓ તો 7થી 8 ટકાનો રી-એસેસમેન્ટ ફરક આવે છે એ તો હ્યુમન એરર કહેવાય.