રાજ્ય સરકારે ભાદર ડેમની પાઇપલાઇન ખસેડવા માટે રૂ.212 કરોડ મંજૂર કરી દીધા છે ત્યારે આ પાઇપલાઇન ખસેડવા બાબતે પ્રોજેક્ટ હાથ ધરવાના બદલે રાજકોટ મહાનગરપાલિકાના વોટરવર્કસના અધિકારીઓ રાજકોટવાસીઓને તરસ્યા રાખવા હોય તેમ જુઠ્ઠાણું ફેલાવી રહ્યા છે અને નેશનલ હાઇવે ઓથોરિટીએ ગત 6 માર્ચની બેઠકમાં પાઇપલાઇન શિફ્ટિંગનો પ્રોજેક્ટ કરી દેવાની સ્પષ્ટ ના પાડી દીધી હોવા છતાં વોટર વર્કસ શાખાના ઇજનેર કિશોર દેથરિયા હજુ સુધી નેશનલ હાઇવે ઓથોરિટીનો જવાબ ન આવ્યાનો ખોટો દાવો કરી રહ્યા છે. બીજીબાજુ સિક્સલેનની કામગીરી શરૂ થઇ ગઇ હોય અને ભાદરની પાઇપલાઇન ખસેડવાની સ્થિતિ ઊભી થાય અથવા તો તેમાં ભંગાણ પડે તો ભરઉનાળે નર્મદાના નીરની સાથોસાથ ભાદરના નીર પણ મળતા બંધ થઇ જશે તેવી ચોંકાવનારી હકીકત પ્રકાશમાં આવી છે.
રાજકોટ-જેતપુર સિક્સલેન કામગીરી નેશનલ હાઇવે ઓથોરિટીએ શરૂ કરી દીધી છે ત્યારે આ પ્રોજેક્ટમાં નડતરરૂપ રાજકોટ મહાનગરપાલિકાની ભાદરની 35 વર્ષ જૂની પાઇપલાઇન શિફ્ટિંગની કામગીરી કોણ કરશે તેનો નિર્ણય કરવા માટે ગત તા.6ઠ્ઠી માર્ચે મ્યુનિસિપલ કમિશનરની ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠકમાં સ્પષ્ટ ના પાડી દીધી હોવા છતાં વોટર વર્કસ શાખાના અધિકારીઓ તેના જવાબની રાહ જોઇ રહ્યાનો દાવો કરી રહ્યા છે. આગામી એપ્રિલ અને મે માસમાં નર્મદાના નીર બંધ થવાના હોવાથી રાજકોટ મહાનગરપાલિકા સામે 135 એમએલડી પાણીની ઘટ કેમ પૂરી કરવી તેનો પડકાર તો ઉભો જ છે ત્યાં જો ભાદર ડેમનું પાણી બંધ થશે તો વધુ 35 એમએલડી પાણી કયાંથી લાવવું તેનો નવો પડકાર મહાનગરપાલિકા સમક્ષ ઉભો થશે અને જો મહાનગરપાલિકા રાજકોટવાસીઓને પાણી પૂરું નહી પાડી શકે તો નાછૂટકે પ્રજાજનોને આખો ઉનાળો વેંચાતું પાણી લેવું પડે તેવી સ્થિતિ નિર્માણ થવાની ભીતિ પણ સેવાઇ રહી છે.
મહાનગરપાલિકાના પદાધિકારીઓ તો રાજકારણ કરે તે સમજી શકાય તેવી બાબત છે પરંતુ હવે તો મનપાના અધિકારીઓ પણ પ્રજાજનો સાથે રાજરમત આચરી રહ્યા હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. મનપાના અધિકારીઓની બેદરકારીથી ઉનાળામાં હજારો પરિવારોને પાણી વગર ટળવળવું પડે તેવી ભીતિ સેવાઇ રહી છે.