37 વર્ષે મળ્યો ન્યાય, વિધવાને હવે મળશે 80 લાખનું વળતર

રાજકોટ ગ્રામ્ય પોલીસમાં 35 વર્ષ પૂર્વે ટ્રેનિંગ પીરિયડમાં રહેલા હથિયારધારી પોલીસ કર્મીને ગેરહાજર રહેવા સબબ પોલીસ અધિક્ષક દ્વારા નોકરીમાંથી છુટા કરી દેવામાં આવ્યા હતા. જે હુકમ સામે રાજકોટથી સુપ્રીમ કોર્ટ સુધીની કાનૂની લડતમાં પોલીસ કર્મચારી તરફે થયેલા હુકમનો પોલીસખાતા દ્વારા અનાદર કરી કેસને વિલંબમાં નાખવામાં આવ્યો હતો. જે કાર્યવાહી દરમિયાન પોલીસ કર્મચારીનું મૃત્યુ નીપજતા તેની વિધવા પત્ની અને પુત્રને પક્ષકાર તરીકે જોડવામાં આવ્યા હતા.

જે કોર્ટે મંજૂર કરી મૃતક પોલીસ કર્મચારીના પરિવારને આશરે રૂ.80 લાખ જેટલી લેણી રકમનું જપ્તી વોરંટ કાઢી આપવા રાજકોટના છઠ્ઠા એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ જ્યોત્સનાબેન પરમારે હુકમ ફરમાવ્યો છે. રાજકોટ ગ્રામ્ય પોલીસમાં 1988માં ટ્રેનિંગ પીરિયડમાં રહેલા હથિયારધારી પોલીસમેન વિનોદભાઇ મનસુખભાઇ જોશીને ગેરહાજર રહેવા બદલ તે સમયના પોલીસ અધિક્ષકે નોકરીમાંથી છુટા કરી દીધા હતા.

પોલીસ અધિક્ષકે સત્તાનો દુરુપયોગ કરીને ગુજરાત પોલીસ મેન્યુઅલની જોગવાઇનું પાલન નહીં કરીને ગેરકાયદેસર રીતે નોકરીમાંથી છુટા કર્યા હોવાનો પોલીસ કર્મચારી વિનોદભાઇ જોશીએ રાજકોટની દિવાની અદાલતમાં સને-1988માં દાવો દાખલ કરી નોકરીમાંથી છુટા કરવાનો હુકમ ગેરબંધારણીય છે અને તેઓને ફરજ પર લેવાની ન્યાયિક કાર્યવાહી કરી હતી.

જે પોલીસ કર્મચારીનો દાવો સને-1991માં મંજૂર થતા પોલીસ ખાતા દ્વારા આ હુકમ સામે અપીલ કરવામાં આવી હતી. જે સરકારની અપીલ-2017માં નામંજૂર કરવામાં આવી હતી. જેથી સરકારે ગુજરાત હાઇકોર્ટમાં કાર્યવાહી કરી હતી. જે કાર્યવાહી હાઇકોર્ટે નામંજૂર કરતા સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટમાં કાર્યવાહી કરવામાં આવી હતી. જે કાર્યવાહી સને-2021માં કાઢી નાખવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટમાં અપીલનો નિર્ણય થાય તે પહેલા પોલીસ કર્મચારી વિનોદભાઇ જોશીનું અવસાન થતા તેના વિધવા પત્ની ભાવનાબેન વિનોદભાઇ જોશી અને પુત્ર હરેશ વિનોદભાઇ જોશીને પક્ષકાર તરીકે જોડવામાં આવ્યા હતા.

આ રીતે ચારેય અદાલતના હુકમો પોલીસ કર્મચારીની તરફેણમાં હોવા છતાં પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા કોર્ટના હુકમની અમલવારી કરવામાં આવી ન હતી. પોલીસ કર્મચારીએ તેની હયાતીમાં તેની તરફેણમાં કોર્ટ દ્વારા થયેલા હુકમનામાની અમલવારી કરવા માટે સને-2017માં દિવાની દરખાસ્ત કરી હતી અને તેઓને ફરજ પર લેવા તથા લેણી રકમ ચૂકવવાની કાર્યવાહી કરવા દાદ માંગી હતી. જે કામમાં પણ પોલીસતંત્રે આશરે આઠેક વર્ષ સુધી વિલંબભરી નીતિ અપનાવી મુદ્દતો લઇ કાર્યવાહી લંબાવેલ હતી અને આ રીતે હુકમનામાના લાભથી અરજદાર અને તેના વારસદારોને વંચિત રાખવામાં આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *