રાજકોટ મહાનગરપાલિકાની વિવિધ સેવાઓની ફરિયાદો અલગ-અલગ નંબર પર નોંધાવવાના બદલે એક જ કોમન નંબર દ્વારા કરી શકાય તેવી વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિવિધ સેવાઓને લગત નાગરિકોની ફરિયાદોની નોંધણી માટે વર્ષ 2008થી અમીન માર્ગ ખાતે 24×7 કોલ સેન્ટર ચાલુ કરવામાં આવેલ છે, જેમાં વાર્ષિક 3.75 લાખ ફરિયાદ નોંધવામાં આવે છે. આ માટે મહાનગરપાલિકા દ્વારા લેન્ડલાઈન નંબર 0281-2450077 કે જેમાં 05 હન્ટિંગ લાઈન સામેલ છે તેમજ ટોલ ફ્રી નંબર 1800-123-1973 પર શહેરના નાગરિકો ફોન દ્વારા તેઓની મહાનગરપાલિકાની સેવાઓ અંગે ફરિયાદો નોંધાવી શકે છે તે પ્રકારની વ્યવસ્થા અમલમાં મૂકી હતી.
પરંતુ ભારત સરકારનાં Ministry of Communication & Information Technology નાં Department Of Telecommunications (DOT) દ્વારા ભારતની તમામ મહાનગરપાલિકાઓની વિવિધ સેવાઓ અંગેની ફરિયાદો માટે અલગ અલગ નંબરને બદલે તમામ ફરિયાદોની નોંધણી સમગ્ર દેશમાં એક જ કોમન નંબર દ્વારા કરી શકાય તેવી વ્યવસ્થા શરૂ કરવામાં આવેલ છે. આ માટે 155304 નંબરનો શોર્ટ કોડ અમલમાં મૂકવામાં આવેલ છે. ભારત સરકારની આ યોજનાનો અમલ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલ છે.