પડધરી પાસે બંધ ટ્રક પાછળ એક્ટિવા ઘૂસી જતા માતા-પુત્રના મોત નીપજ્યા

રાજકોટ જિલ્લાના પડધરી નજીક સરપદડ ગામ પાસે રાત્રીના બંધ ટ્રક પાછળ એક્ટિવા ઘૂસી જતા માતા-પુત્રના ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજતા તેના પરિવારમાં કલ્પાંત સર્જાયો છે. બનાવને પગલે પડધરી પોલીસે તપાસ કરતા મંડપ સર્વિસમાં મજૂરીકામ કરતા મૃતક યુવક તેના નાના ભાઇને માતા સાથે તેડવા જતા હતા અને આ બનાવ બન્યાનું બહાર આવતા પોલીસે ટ્રકચાલક સામે ગુનો નોંધી ધરપકડ કરવાની કાર્યવાહી કરી છે.

પડધરીના સરપદડ ગામે રહેતા ભાવેશભાઇ હિરાભાઇ ચૌહાણ (ઉ.વ.27) અને તેની માતા બાલુબેન હિરાભાઇ ચૌહાણ (ઉ.વ.60) ગુરૂવારે રાત્રીના એક્ટિવા લઇને જતા હતા ત્યારે સરપદડમાં મેટોડા રોડ પર બંધ ટ્રક પાછળ એક્ટિવા ઘૂસી જતા માતા-પુત્ર ફંગોળાયા હતા. બનાવને પગલે લોકોના ટોળાં એકઠા થઇ ગયા હતા જાણ કરતા ઘટનાસ્થળે પહોંચી 108ની ટીમના તબીબે બન્નેને મૃત જાહેર કરતા પડધરી પોલીસ મથકના પીએસઆઇ સુરાણી સહિતના સ્ટાફે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી તપાસ હાથ ધરી હતી.

પોલીસની તપાસમાં મૃતક ભાવેશ ચાર ભાઇ અને એક બહેનમાં વચેટ હોવાનું અને મંડપ સર્વિસમાં મજૂરીકામ કરતા હોવાનું અને ચાર વર્ષ પહેલા તેના મોટા ભાઇ રામજીભાઇનું પણ અકસ્માતમાં મૃત્યુ થયાનું પરિવારે જણાવ્યું હતું. પોલીસની વધુ તપાસમાં ભાવેશભાઇના નાના ભાઇ ધનાભાઇ માધાપર (કચ્છ) ગયા હતા અને ત્યાથી પરત ઘેર આવતા હોય તેને ફોન કરી ભાવેશભાઇને સરપદડ ગામે નજીક તેડી જવાનું કહ્યું હતું. દરમિયાન માતા બાલુબેનને સાથે લઇને નાના ભાઇને તેડવા જતા હતા અને બનાવ બન્યો હતો. પોલીસે ધનાભાઇની ફરિયાદ પરથી ટ્રક ચાલક સામે ગુનો નોંધી તેની ધરપકડ કરવાની કાર્યવાહી કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *