રાજકોટમાં ભાભીની ખબર કાઢવા આવેલા ચોટીલાના લાખણકા ગામના ભાવેશ નામના યુવકને ભાવનગર રોડ પર અમૂલ સર્કલ પાસે નંબર પ્લેટ વગરના એક્ટિવામાં ધસી આવેલા બે શખ્સે અટકાવી અમે પોલીસ છીએ તું ભાવનગર રોડ પર યુવતીને મકાનમાં મળવા કેમ ગયો હતો હવે તારા પર કેસ થશે કહી ધમકાવી તેની પાસેથી રૂ.23 હજારનો તોડ કરી નાસી ગયા બાદ થોરાળા પોલીસે ગુનો નોંધી દૂધસાગર રોડ પર રહેતા નકલી પોલીસ અને સગીરને ઝડપી લઇ તેની તપાસ કરતાં શખ્સ અગાઉ ચોરી, પૈસા પડાવવા સહિતના સાત ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે.
અમૂલ સર્કલ પાસે નકલી પોલીસ બની તોડ કરનાર શખ્સ રાજકોટ ગોપાલ ડેરી પાછળ શ્યામનગર રોડ પાસે આવ્યો હોવાની માહિતીને આધારે પીએસઆઇ ડોબરિયા સહિતે શંકાસ્પદ હાલતમાં નંબર પ્લેટ વગરના ડબલસવારી એક્ટિવાને અટકાવી પૂછતાછ કરતાં તે ગુ.હા.બોર્ડના ક્વાર્ટરમાં અને હાલ ચામુંડાનગર, ચોટીલા રહેતો સલીમ ગફારભાઇ ઠેબા હોવાનું અને તેની સાથેનો સગીર હોવાનું બહાર આવતા પોલીસે બન્નેની અટકાયત કરી હતી. પૂછતાછ કરતાં સલીમે અમૂલ સર્કલ પાસે એક યુવકને પોલીસના નામે 23 હજારનો તોડ કર્યાનું બહાર આવતા સલીમની ધરપકડ કરી રોકડ, એક્ટિવા સહિતની મતા કબજે કરી હતી.