શહેરના કાલાવડ રોડ પર બ્રિજ નીચે ગેમ ઝોનના જોખમી પ્રોજેક્ટને રદ કરવાના મુદ્દે શહેર કોંગ્રેસ દ્વારા પ્રજાના અભિપ્રાય બાદ બુધવારે પ્લે કાર્ડ સાથે ધરણાંનો વધુ એક કાર્યક્રમ આપવામાં આવ્યો હતો.
રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અતુલ રાજાણીએ જણાવ્યા મુજબ ગેમ ઝોન પ્રોજેક્ટ રદ કરવા કમિશનરને આવેદનપત્ર સુપ્રત કર્યા બાદ તારીખ 25/1 ના શહેરીજનોના બ્રિજ નીચેના ગેમ ઝોન અંગેના અભિપ્રાયો મેળવવામાં આવેલ હતા તેમાં લોકોના નકારાત્મક અભિપ્રાયો આપેલ છે. પ્રજાજનોના નકારાત્મક અભિપ્રાયો જાણ્યા બાદ આજ રોજ બીજા તબક્કામાં રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કાલાવડ રોડ પર ન્યૂ પરિમલ સ્કૂલ સામે જ્યાં ગેમ ઝોનનું કામ હાલ NOC વગર શરૂ કરી દેવામાં આવ્યું છે તે જગ્યાની નજીકમાં કોંગ્રેસ સમિતિ દ્વારા પ્લે કાર્ડ સાથે ધરણાંનો કાર્યક્રમ યોજાયો હતો. આજના કાર્યક્રમ બાદ પણ શાસકોને સદબુદ્ધિ નહીં મળે તો આગામી દિવસોમાં કોંગ્રેસ આગેવાનોની બેઠકમાં નક્કી કર્યા મુજબ તબક્કાવાર કાર્યક્રમો જાહેર કરાશે.