શહેરમાં ગોંડલ રોડ પર માલધારી ફાટક પાસે સર્વિસ રોડ પર માલવાહક ગાડીએ બાઇકને ઠોકરે લેતા કારખાનેદારનું મોત નીપજતા તેના પરિવારમાં શોક છવાયો છે. બનાવને પગલે આજી ડેમ પોલીસે મૃતકના ભાઇની ફરિયાદ પરથી વાહનચાલક સામે ગુનો નોંધી કાર્યવાહી કરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ મવડી કણકોટ રોડ પર શિવ ટાઉનશિપમાં રહેતા અને માલધારી ફાટક પાસે કારખાનું ચલાવતા હિતેષભાઇ હરિલાલ સોલગામા (ઉ.56) તા.26ના રોજ તેનું બાઇક લઇને મિત્ર રમેશભાઇ રાદડિયાના કારખાને બેઠા હતા અને ત્યાંથી ઘેર જતા હતા ત્યારે માલધારી ફાટક પાસે સર્વિસ રોડ પર માલવાહક વાહને બાઇકને ઠોકરે લેતા તેને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા જેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
બનાવને પગલે આજી ડેમ પોલીસે તપાસ કરતા મૃતક માલધારી ફાટક પાસે બૂટભવાની ઇન્ડસ્ટ્રીઝના નામે ફેબ્રિકેશનનું કારખાનું ચલાવતા હતા અને તેના મિત્રના કારખાનેથી ઘેર જતા હતા ત્યાર બાદ તેના મિત્ર પણ કારખાનું બંધ કરી ઘેર જવા માટે નીકળ્યા હતા. ત્યાં રોડ પર ટોળું જોઇ મિત્રએ તપાસ કરતાં હિતેષભાઇ ઘાયલ હાલતમાં પડ્યા હોય સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા, પરંતુ જીવ નહીં બચાવી શક્યા હતા. બનાવને પગલે આજી ડેમ પોલીસ મથકના જમાદાર સોલંકી સહિતના સ્ટાફે મૃતકના ભાઇની ફરિયાદ પરથી ગુનો નોંધી વાહનચાલકની ધરપકડ કરવાની કાર્યવાહી કરી છે.