યુનિવર્સિટી રોડ પર આકાશવાણી ચોક નજીક નકળંગ ટી સ્ટોલ પર પેટ્રોલ બોંબના ઘા કરી દુકાન સળગાવવાના મામલામાં પોલીસે સૂત્રધાર સહિત ત્રણની ધરપકડ કરી હતી, ફરાર અન્ય એકની શોધખોળ તેજ કરવામાં આવી હતી.
શહેરના 150 ફૂટ રિંગ રોડ પરના ખોડિયારનગરમાં રહેતા અને આકાશવાણી ચોકમાં નકળંગ ટી સ્ટોલ ધરાવતા જીલાભાઇ ઉર્ફે મુન્નાભાઇ સિરોડિયા ગત તા.14ની રાત્રીના પોતાની હોટેલે હતા ત્યારે હોટેલની નજીક ભગતસિંહ ગાર્ડન પાસે ક્વાટર્સમાં રહેતો જયદેવ મહેશ રામાવત હોટેલે આવ્યો હતો અને હોટેલ સાથેની પાનની દુકાને માવો ખરીદ કર્યા બાદ રૂ.100ની નોટ આપ્યાનું કહી ધમાલ કરી હતી.
થોડીવાર બાદ નકળંગ હોટેલ પર પેટ્રોલ બોંબના ઘા થયા હતા, પેટ્રોલ ભરેલી સળગતી બે બોટલ ફેંકાતા હોટેલે હાજર ગ્રાહકોમાં નાસભાગ મચી ગઇ હતી, ઘટનાને પગલે યુનિવર્સિટી પોલીસ સ્થળ પર પહોંચી હતી અને તપાસ કરતાં સ્થળ નજીકથી વધુ બે પેટ્રોલ બોંબ મળી આવ્યા હતા.
પોલીસે હોટેલ સંચાલક જીલાભાઇની ફરિયાદ પરથી ગુનો નોંધ્યો હતો, સીસીટીવી ફૂટેજમાં પેટ્રોલ બોંબ બનાવવામાં અને ફેંકવામાં ચાર શખ્સો દેખાતા હતા, પોલીસે ફૂટેજના આધારે જયદેવ સહિત ચારેયની શોધખોળ શરૂ કરી હતી. યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના પીઆઇ એચ.એન.પટેલ સહિતની ટીમે જયદેવ મહેશ રામાવત તથા એક સગીરવયના નેપાળી શખ્સને ઝડપી લીધા હતા જ્યારે ક્રાઇમબ્રાંચની ટીમે ચિરાગ શૈલેષ જલાલજીને ઝડપી લઇ યુનિવર્સિટી પોલીસ હવાલે કર્યો હતો.