રાજકોટ શહેરમાં ઘરવિહોણા લોકોને મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે રાજકોટ મનપા દ્વારા અલગ-અલગ વિસ્તારોમાં આશ્રયસ્થાન (રેનબસેરા)ની સુવિધા કરાઈ છે. જોકે, ઘણીવખત જાણકારીનાં અભાવે ઘરવિહોણા લોકો ફૂટપાથ ઉપર સુતા હોય છે. હાલ શિયાળાની ઋતુ ચાલી રહી છે. જેમાં ખાસ કરીને રાત્રિના સમયે ઠંડીનું પ્રમાણ વધુ અનુભવાય છે. આવી સ્થિતિમાં દિનદયાળ અંત્યોદય યોજના-રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન યોજના હેઠળ કાર્યરત્ત આ આશ્રયસ્થાન (રેનબસેરા)ની સેવાનો લાભ ઘરવિહોણા લોકોને આપવા માટે મનપાએ હેલ્પલાઇન નંબર 155304 જાહેર કર્યો છે. આવા કોઇ નિરાધાર રહેવા-જમવા સહિતની સુવિધા મેળવવા ઇચ્છતા હોય તો હેલ્પલાઇન નંબર પર ફોન કરવા માટે અપીલ કરવામાં આવી છે.
શહેરમાં જુદા જુદા સ્થળોએ 6 રેનબસેરા કાર્યરત રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાના જણાવ્યા મુજબ શહેરમાં જુદા-જુદા સ્થળોએ 6 જેટલા રેનબસેરા હાલ કાર્યરત છે. જેમાં એકલા પુરુષો, એકલી મહિલાઓ તેના આશ્રિત સગીર બાળકો, વૃધ્ધો, નિરાધાર લોકોને આશ્રય આપવામાં આવે છે. સાથે પ્રાથમિક સુવિધાઓ ઉપરાંત સુરક્ષા-સલામતી, આરોગ્ય, શિક્ષણ થકી પ્રતિષ્ઠા ભર્યું જીવન જીવી શકે તે માટે પ્રયત્નો કરવામાં આવે છે. આ માટે હાલ ઠંડીની ઋતુ હોય રાજકોટ મહાનગરપાલિકાની ટીમ રાત્રિના સમયે નિયમિત રીતે શહેરના મુખ્ય માર્ગો, બસ સ્ટેશન, રેલ્વે સ્ટેશન તથા જ્યાં જાહેર માર્ગો પર લોકો જોવા મળે છે તેવા લોકોને મળી શહેરમાં કયા કયા વિસ્તારમાં આશ્રયસ્થાનોની સુવિધા ઉપલબ્ધ છે તેની માહિતી આપે છે અને ઈચ્છુક લોકોને આશ્રયસ્થાન સુધી પહોંચાડે પણ છે.