શહેરના એ.ડિવિઝન પોલીસની કોઠારિયા નાકા ચોકીના પોલીસ કર્મચારીએ એવી કામગીરી કરી કે તે સાંભળતા એક તબક્કે એવું લાગે કે પોલીસ કોઇપણ પ્રક્રિયા વગર લોકોને ન્યાય આપવા તત્પર છે, પરંતુ હકીકત કંઇક અલગ હતી. નિવૃત્ત બેંક અધિકારીએ ખરીદેલું એરકન્ડિશન ખરાબ નીકળતા વેપારીએ તે પાછું લઇ રકમ પરત આપી દીધી હતી, પરંતુ એસીનું રિમોટ બેંક કર્મચારી પાસે રહી ગયું હતું અને આ મામલે વેપારીના ઇશારે પોલીસ કર્મચારીએ બેંક કર્મચારી સાથે એવો તે વ્યવહાર કર્યો કે સિનિયર સિટિઝન બેંક કર્મચારી ખૂંખાર ગુનેગાર હોય, જીવનના અંતિમ તબક્કે રહેલા બેંક કર્મીએ પણ પોતાના સન્માન માટે પોલીસ સામે જંગ છેડ્યો છે અને મામલો કોર્ટ સુધી પહોંચાડ્યો હતો.
દીવાનપરામાં રહેતા નિવૃત્ત બેંક અધિકારી આબીદભાઇ નુરૂદ્દીનભાઇ ભારમલે (ઉ.વ.69) દિવ્ય ભાસ્કર સમક્ષ આપવીતી વર્ણવતા કહ્યું હતું કે, 2023ના મે મહિનામાં તેમણે સૈફી ઇલેક્ટ્રોનિક્સમાંથી રૂ.44 હજારની કિંમતનું એરકન્ડિશન ખરીદ કર્યું હતું અને તે દુકાનના સંચાલક મુર્તુજા દવાવાલાએ ઘરમાં એસી ફિટ કરાવી દીધું હતું. જોકે બીજા જ દિવસે એસીમાંથી હમિંગનો અવાજ આવતો હતો અને 24 કલાકમાં ગેસ લીક થઇ ગયો હતો અને કૂલિંગ બંધ થઇ ગયું હતું. આ અંગે મુર્તુજાભાઇને ફરિયાદ કરતાં તેમણે સ્ટાફ મોકલ્યો હતો અને એસી રિપેર કર્યું હતું, પરંતુ સમસ્યાનો અંત આવ્યો નહોતો. દશેક વખત રિપેરિંગ કરવા છતાં એસીના પ્રશ્નો યથાવત્ રહ્યા હતા. અંતે મુર્તુજાભાઇએ રૂ.44 હજાર બેંક ખાતામાં જમા કરાવી દીધા હતા અને તેમણે એસી પરત મગાવી લીધું હતું.