HMPV વાઇરસને લઈ ગુજરાત સરકાર એક્ટિવ થઈ ગઈ છે. રાજ્યમાં વિદેશથી આવનારા માટે હ્યુમન મેટાન્યૂમોવાઇરસ (HMPV)ની એડવાઇઝરી જાહેર કરાશે. આજે(6 જાન્યુઆરી, 2024) અમદાવાદમાં બે મહિનાનું બાળક પોઝિટિવ આવ્યું છે. જેને પગલે RTPCR ટેસ્ટની કિટ ખરીદવા હોસ્પિટલોને સૂચના પણ આપી દીધી છે.
બાળકના પોઝિટિવ આવવા અને AMCને મોડી જાણ કરવા અંગે કોર્પોરેશનના આરોગ્ય વિભાગના મેડિકલ ઓફિસર ડો.ભાવિન સોલંકીએ જણાવ્યું કે, અમદાવાદની ઓરેન્જ હોસ્પિટલમાં સામે આવેલા 2 મહિનાના બાળકના HMPVના કેસ અંગે મોડી જાણ કરતા AMCએ હોસ્પિટલના સંચાલકોને નોટિસ આપી ખુલાસો કરવા જણાવ્યું છે. 24 ડિસેમ્બરે બાળક દાખલ થયું હતું અને 26 ડિસેમ્બરે રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
આરોગ્યમંત્રીએ વધુમાં કહ્યું હતું કે કેન્દ્ર સરકાર રાજ્ય સરકારને ગાઈડલાઇન આપશે એ પ્રકારે કામગીરી થશે. રાજ્ય સરકારે ટેસ્ટિંગ માટેની કિટ ખરીદવા માટેની મંજૂરી આપી દીધી છે. શરદી, તાવ, ઉધરસ, ગળામાં દુખાવો થવો એવાં લક્ષણો આ વાઇરસમાં છે. જે લક્ષણ હોય એની દવા થાય એ જ SOP છે. આ વાઇરસને લઈ કોઈ ખાસ દવા નથી. વાઇરસને પહોંચી વળવા માટે રાજ્ય સરકાર બિલકુલ સજ્જ છે.
ચીનમાં ફેલાયેલા કોરોના જેવા વાઇરસના કેસ હવે ભારતમાં જોવા મળી રહ્યા છે. આ વાઇરસનું નામ હ્યુમન મેટાન્યૂમોવાઇરસ છે. ભારતમાં એક કેસ અમદાવાદમાં અને બે કેસ કર્ણાટકમાં જોવા મળ્યા છે. સંક્રમિતોમાં એક 2 મહિનાનું બાળક, 8 મહિનાનું બાળક અને 3 મહિનાની બાળકીનો સમાવેશ થાય છે.