આજી ડેમની અંદર ખેતીનું દબાણ, સિંચાઇ વિભાગનું કાલે ઓપરેશન

આજી ડેમની અંદર જ એક શખ્સે વર્ષોથી દબાણ કર્યું હોવાની અને ખેતી કરી રહ્યાની ચોંકાવનારી હકીકત ધ્યાનમાં આવતા સિંચાઇ વિભાગે નોટિસ આપ્યા બાદ હવે મંગળવારે દબાણ હટાવ ઓપરેશન હાથ ધરવાનો નિર્ણય કર્યો છે. આ ઓપરેશન બાદ પણ જો વિજય ખીમસુરિયા પોતાની દબાણ કરવાની નીતિ ચાલુ રાખશે તો તેમની સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ કરાશે તેમ સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું.

રાજકોટ સિંચાઇ વિભાગના સૂત્રોએ જણાવ્યા અનુસાર ભાવનગર રોડ પર ટેકરી પાસે આજી ડેમની અંદર પાણી ભરવાની જગ્યાએ વિજય ખીમસુરિયા નામના એક શખ્સે વર્ષોથી દબાણ કરીને ખેતી કરતો હોવાની હકીકત ધ્યાનમાં આવી હતી. આથી તેમને નોટિસ આપી સ્વેચ્છાએ દબાણ દૂર કરવા તાકીદ કરી હતી. આમ છતાં વિજય ખીમસુરિયાએ પોતાનું દબાણ દૂર નહીં કરતાં અને ખેતી ચાલુ રાખતા મંગળવારે દબાણ હટાવ ઓપરેશન હાથ ધરાશે અને તેના માટે પોલીસનો બંદોબસ્ત પણ માગવામાં આવ્યો છે. આ દબાણ હટાવ ઓપરેશન બાદ વિજય ખીમસુરિયા ફરી આ આજી ડેમની જગ્યામાં પેશકદમી કરશે તો તેની સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટની કાર્યવાહી કરાશે.

સિંચાઇ વિભાગની કરોડો રૂપિયાની જમીનમાં ભંગારવાળાનું વર્ષોથી દબાણ છે અને આ જગ્યા પર દબાણકારો દ્વારા ખાટલા ભાડે આપી દર મહિને લાખો રૂપિયા કમાવવાનું કૌભાંડ ચલાવવામાં આવતું હોવાનો દિવ્ય ભાસ્કરે પર્દાફાશ કર્યા બાદ સિંચાઇ વિભાગે દબાણ દૂર કરવાની અનેક વખત જાહેરાત કરી હતી. આમ છતાં છ મહિના કરતા વધુ સમયથી દબાણો યથાવત્ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *