શહેરના ઉપલાકાંઠા વિસ્તારમાં રહેતી 21 વર્ષની પ્રિયા (નામ બદલાવેલ છે) કોલેજમાં અભ્યાસ કરે છે. તે પરિવારની એક માત્ર સંતાન છે. ઘરની આર્થિક સ્થિતિ સારી નથી, પરંતુ આ યુવતીની લાઇફ સ્ટાઇલ સૌને ચોંકાવી દે તેવી છે. શાતીર ગુનેગારને પણ પાછળ રાખી દે તેવી આવડત આ પ્રિયામાં છે. સ્કૂલ અને કોલેજમાં પોતાની સાથે અભ્યાસ કરતી વિદ્યાર્થિની કે તેની સહેલીને ફ્રેન્ડ બનાવી આ પ્રિયા પોતાની જાળમાં ફસાવે છે અને સહેલીના ઘરે જઇ કોઇપણ ભય વગર ચોરી કરી નીકળી જાય છે અને આવું તેણે એક બે ઘરમાં નહીં પરંતુ દસ-દસ ઘરમાં કર્યું છે. પ્રિયાના આ કાળા કરતૂતમાં પોલીસ પણ તેને મદદ કરી રહી છે. માત્ર અરજી લઇ પોલીસે કોઇ કાર્યવાહી કરી નથી.
શહેરના ઉપલાકાંઠા વિસ્તારના એંસી ફૂટ રોડ પરની કસ્તૂરી રેસિડેન્સિમાં રહેતા રાજેશભાઇ ગોરધનભાઇ અજુડિયાએ પ્રિયાના કરતૂત વર્ણવતા કહ્યું હતું કે, તેમની પુત્રી કોલેજમાં અભ્યાસ કરે છે. ઇન્સ્ટાગ્રામથી પ્રિયાએ તેનો સંપર્ક કરી રાજેશભાઇની પુત્રીને મિત્ર બનાવી હતી અને થોડા દિવસ ચેટિંગ કર્યું હતું. બાદમાં પ્રિયાએ તારા ટ્રેડિશનલ કપડાં ખૂબ સરસ છે. મારે પ્રસંગમાં પહેરવા લઇ જવા છે તેમ કહેતા રાજેશભાઇની પુત્રીએ હા કહી હતી અને તા.22 ઓક્ટોબરે પ્રિયા રાજેશભાઇના ઘરે પહોંચી હતી. રાજેશભાઇની પુત્રીએ કબાટમાંથી કપડાં કાઢીને આપ્યા હતા અને બાથરૂમમાં જઇ ચેન્જ કરવાનું કહેતા પ્રિયાએ બાથરૂમમાં સફોકેશન થાય અને રૂમમાં તારી હાજરીમાં શરમ આવે તેમ કહી રાજેશભાઇની પુત્રીને રૂમની બહાર મોકલી દીધી હતી. બાદમાં રૂમ અંદરથી બંધ કરી પંખો પાંચ પર ફાસ્ટ કરી નાખ્યો હતો અને વિસેક મિનિટ બાદ ફરીથી પોતાના કપડાં પહેરીને પ્રિયા જતી રહી હતી.
અઠવાડિયા બાદ અજુડિયા પરિવારમાં પ્રસંગ હોય રાજેશભાઇના પત્નીઅે કબાટ ખોલ્યો તો તેમાંથી સોનાના ચેઇન અને હાર સહિત 12 તોલા સોનાના દાગીના ગાયબ હતા. રાજેશભાઇએ કહ્યું હતું કે, પ્રિયાએ આવી જ રીતે હેમંતભાઇ લીંબાસિયાના ઘરે ખેલ પાડ્યો હતો ત્યાં પણ તેની પુત્રીની સહેલી બની, કપડાંના બહાને ઘરે જઇ કબાટમાંથી 6 તોલા સોનાનો સેટ તફડાવી લીધો હતો.