આજથી વર્ષ 2025નો પ્રારંભ થયો છે. ત્યારે 2024માં મનપા દ્વારા હાથ ઉપર લેવામાં આવેલા કેટલાક કામો હજુપણ બાકી છે. જેમાં મનપાની માલિકીનાં પ્લોટમાં પાર્ટી પ્લોટ બનાવી લોકોને રાહત ભાવે ભાડે આપવાનું આયોજન 2024માં પણ પૂર્ણ થયું નથી. આ ઉપરાંત રેસકોર્સમાં આવેલ માધવરાવસિંધિયા ક્રિકેટ સ્ટેડિયમનું રૂ. 2 કારોડનાં ખર્ચે નવીનીકરણ કરવાની જોગવાઈ આ બજેટમાં કરવામાં આવી હતી. જોકે આ કામ હજુ શરૂ કરવામાં આવ્યું નથી, પરંતુ આગામી માસમાં શરૂ થાય તેવી શક્યતા છે.
પ્રાપ્ત વિગત મુજબ રાજકોટનાં લોકોને લગ્ન પ્રસંગ માટે ઉપયોગી બને તે માટે મનપાનાં 18 જેટલા કોમ્યુનિટી હોલ કાર્યરત છે. જોકે હાલ પાર્ટી પ્લોટનો ટ્રેન્ડ વધ્યો છે. જેના કારણે છેલ્લા ત્રણેક વર્ષથી મનપા દ્વારા કોર્પોરેશન તંત્રની માલિકીનાં પ્લોટ પર ભવ્ય પાર્ટી પ્લોટ બનાવવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે, પરંતુ આ માટેની કોઈ પ્રક્રિયા 2024માં પણ કરવામાં આવી નથી. બીજી તરફ મનપાનાં મોટાભાગના કોમ્યુનિટી હોલમાં ફાયર સેફ્ટીની કામગીરી ચાલુ હોવાને કારણે લોકો ફરજિયાત ખાનગી હોલ અને પાર્ટીપ્લોટ માટે મસમોટો ખર્ચ કરવા મજબૂર બન્યા છે.