રાજ્ય કક્ષાના ખેલ મહાકુંભના 13મા સંસ્કરણનો આગામી તા. 4 જાન્યુઆરીના રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રમતગમત મંત્રી હર્ષ સંઘવીના હસ્તે રાજકોટથી પ્રારંભ થવા જઈ રહ્યો છે. જેને લઈને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એથલેટિક્સ મેદાન ખાતે તૈયારીઓને આખરી આપવામાં આવી રહ્યો છે જેના નિરીક્ષણ માટે આજે સ્પોર્ટ્સ ઓથોરિટી ઑફ ગુજરાતના સચિવ સહિતની ટીમ આવી પહોંચી હતી. રાજકોટ શહેર અને જિલ્લાના 2.83 લાખ સહિત રાજયના 71.30 લાખ ખેલાડીઓએ ખેલ મહાકુંભમાં રજીસ્ટ્રેશન કરાવ્યું છે.
રાજકોટમાં રાજ્ય કક્ષાના ખેલ મહાકુંભમાં ખેલાડીઓ તેમજ જાહેર જનતાનુ આકર્ષણ વધારવા પ્રખ્યાત ગાયિકા ઐશ્વર્યા મજમુદાર લાઈવ પર્ફોર્મન્સ આપવાના છે તો સાથે જ લેઝર લાઇટ અને ફાયર ક્રેકિંગ શો પણ યોજાશે. ખેલ મહાકુંભમાં આ વખતે શાળા, તાલુકા, જિલ્લા, ઝોન અને રાજ્ય કક્ષાએ 24 ઇવેન્ટ તો સીધી રાજ્ય કક્ષાની 15 ઇવેન્ટ યોજાવાની છે. જેમાં આ વખતે પ્રથમ વખત સેપક ટકરાવ અને ઘોડેસવારીની ઇવેન્ટ યોજાવા જઈ રહી છે. આ ઇવેન્ટને રાજકોટ સહિત સૌરાષ્ટ્રના 6500 ખેલાડીઓ સહિતના શહેરીજનો લાઈવ નિહાળશે. એસટીની 130 બસમાં બહારગામથી અહીં લાવવા તેમજ ત્યા પરત મૂકવાની વ્યવસ્થા કરવામા આવશે.