મનપાએ સોમવારે રોગચાળાના સાપ્તાહિક આંકડા જાહેર કર્યા હતા. તા.23થી 29 સુધીમાં શહેરમાં ડેન્ગ્યુનો ફક્ત એક જ કેસ નોંધાયો છે જ્યારે મલેરિયાનો એક તેમજ ચિકનગુનિયાના એકપણ કેસ આવ્યા નથી. સપ્તાહ દરમિયાનના આ રિપોર્ટ પરથી રોગચાળો કાબૂમાં આવ્યાનું જાણવા મળે છે પણ હકીકતે ચાલુ વર્ષમાં સૌથી વધુ ડેન્ગ્યુના કેસ નોંધાયા છે.
રાજકોટ શહેરમાં 2020-21માં કોરોનાને કારણે ડેન્ગ્યુ સહિતના મચ્છરજન્ય રોગચાળાના કેસ નોંધાતા ન હતા. આ રોગ જ ત્યારે નામશેષ હતો કે પછી તેના રિપોર્ટ કરાતા ન હતા તે હજુ સ્થિતિ સ્પષ્ટ નથી થઈ પણ તેના બીજા વર્ષે એટલે કે 2022માં 282 કેસ ડેન્ગ્યુના નોંધાયા હતા. ઘણા સમય બાદ ફરીથી ડેન્ગ્યુ દેખાતા આરોગ્ય તંત્ર સાબદું થયું હતું અને 2023માં આકરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ કારણે 2023માં ડેન્ગ્યુના 202 કેસ નોંધાયા હતા. તે સમયે કેસના ઘટાડાને લઈને મનપાને ભારે શ્રેય લીધો હતો. જોકે 2024માં ચિત્ર બદલાયું છે કારણ કે 2024માં અત્યાર સુધીમાં 394 કેસ છે એટલે કે લગભગ બમણા કેસ નોંધાઈ ગયા છે. જે સ્પષ્ટ કરે છે કે વિતેલા વર્ષે મચ્છરજન્ય રોગએ માઝા મૂકી હતી. આ આંકડાઓ તો ફક્ત મનપાના ચોપડે નોંધાયેલા અને તે પણ એલાઈઝા ટેસ્ટના આંક છે. જ્યારે શહેરમાં 95 ટકા તબીબો રેપિડ કાર્ડ ટેસ્ટના આધારે જ સારવાર કરે છે. કારણ કે, એલાઈઝા ટેસ્ટ મોંઘો હોય છે.