રાજકોટ જિલ્લાની 54 PHC અને 12 CHCમાં સોલાર સિસ્ટમ નાખી વીજબિલ મુક્ત બનાવાશે

રાજકોટ જિલ્લા પંચાયતમાં તા.2જીએ આરોગ્ય સમિતિની બેઠક બોલાવવામાં આવી છે જેમાં 54 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને 12 સામૂહિક આરોગ્ય કેન્દ્રને વીજબિલ મુક્ત બનાવવા નિર્ણય કરવામાં આવનાર છે. જેના માટે ધારાસભ્યો અને સાંસદો પાસેથી ગ્રાન્ટ ફાળવવા અપીલ કરવા ઠરાવ કરાશે.

આરોગ્ય સમિતિના ચેરમેન લીલાબેન બટુકભાઇ ઠુંમરે માહિતી આપતા જણાવ્યું હતું કે, હાલમાં સૌથી મોટી સમસ્યા આરોગ્ય કેન્દ્રોમાં કાયમી તબીબોની છે. રાજકોટ સહિત રાજ્યભરના મોટાભાગના આરોગ્ય કેન્દ્રોમાં 11 મહિનાના બોન્ડથી ફરજ બજાવતા તબીબો મૂકવામાં આવે છે જેની અસર આરોગ્ય કેન્દ્રોની સેવા પર પડી રહી છે. આથી 2જીએ પીએચસી અને સીએચસીમાં કાયમી એમબીબીએસ તબીબ મૂકવા માટે ઠરાવ કરી સરકારમાં દરખાસ્ત કરાશે. તેમજ છેવાડાના સેજાના ગામમાં તબીબો સેવા માટે જતા ન હોવાથી અંતરિયાળ વિસ્તારના લોકો આરોગ્ય સેવાથી વંચિત રહેતા હોવાની ફરિયાદો પણ મળે છે. આથી સેજાના ગામ માટે કોમ્યુનિટી હેલ્થ ઓફિસરની અલગ-અલગ ટીમો બનાવવી અને તેનું રજિસ્ટર રાખવાની દરખાસ્ત પણ મંજૂર કરવામાં આવનાર છે. તેમજ પીએમના આહ્વાન મુજબ તમામ સરકારી દવાખાનાઓ ઝીરો ઇલેક્ટ્રિકસિટી બિલના કરવા માટે પણ દરખાસ્ત કરી છે. જે મુજબ તમામ પીએચસી, સીએચસી અને એસડીએચમાં સોલાર સિસ્ટમ ફિટ કરવા નિર્ણય લેવાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *