રાજકોટ શહેરમાં ઇ-કેવાયસીની કામગીરી પૂરી થતાં ઓછામાં ઓછા 10 માસ લાગશે

રાજકોટ શહેર-જિલ્લામાં છેલ્લા છ માસ કરતાં વધુ સમયથી ઇ-કેવાયસીની કામગીરી ચાલી રહી છે જો કે છેલ્લા દોઢ માસથી વહીવટીતંત્ર દ્વારા ઝુંબેશ સ્વરૂપે આ કામગીરી કરવામાં આવી રહી છે. આમ છતાં રાજકોટ શહેરમાં ઇ-કેવાયસીની કામગીરી ખૂબ જ મંથરગતિએ ચાલતી હોય હજુ આ કામગીરી પૂર્ણ થવામાં ઓછામાં ઓછા 10 મહિના જેટલો સમય લાગી જશે તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. રાજકોટ શહેરમાં કુલ 17,48,350 લોકોના ઇ-કેવાયસી કરવાના છે જેમાંથી હજુ સુધી માત્ર 2,73,341 લોકોના ઇ-કેવાયસીની કામગીરી પૂર્ણ થઇ છે અને હજુ પણ 14,75,009 લોકોના ઇ-કેવાયસી બાકી છે.

કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા આધારકાર્ડ સાથે રેશનકાર્ડના લીંકઅપ માટે ઇ-કેવાયસીની કામગીરી ફરજિયાત કરવામાં આવી હતી પરંતુ આધારનું સર્વર વારંવાર ડાઉન થઇ જતું હોવાથી આ કામગીરી સમગ્ર રાજ્યમાં ખૂબ જ ધીમી ગતિએ ચાલી રહી છે અને તેના પરિણામે રાજ્ય સરકારે આ કામગીરી 31મી સુધીમાં પૂર્ણ કરવાની જે મુદ્દત નક્કી કરી હતી તેમાં પણ હવે છૂટછાટ આપી છે.

રાજકોટ શહેરમાં કુલ 17,48,350 લોકોના ઇ-કેવાયસી કરવાના છે જેમાંથી અત્યાર સુધીમાં માત્ર 15.63 ટકા કામગીરી પૂર્ણ થઇ છે જ્યારે 84.37 ટકા કામગીરી બાકી છે. રાજકોટ શહેરના ચારેય ઝોનમાં દરરોજના 49167 ઇ-કેવાયસી કરવાનો લક્ષ્યાંક અપાયો છે જેની સામે ચાર ઝોનલ કચેરીમાં માત્ર 5494 ઇ-કેવાયસી જ થાય છે એટલે કે માત્ર 11.17 ટકા જ કામગીરી થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *