ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડી શરૂ થતાં જ લોકો ધ્રૂજી ઊઠ્યા છે. છેલ્લા બે દિવસથી રાજ્યમાં બર્ફીલા પવન ફૂંકાતાં જનજીવન પ્રભાવિત જોવા મળી રહ્યું છે. લોકો ઠંડીથી રક્ષણ મેળવવા માટે તાપણા અને ગરમ કપડાંનો સહારો લેતા જોવા મળી રહ્યા છે. છેલ્લા ચોવીસ કલાક દરમિયાન રાજ્યમાં સિઝનનું સૌથી ઓછું 5 ડિગ્રી તાપમાન નલિયામાં નોંધાયું છે. તો બીજી તરફ સૌરાષ્ટ્રમાં કોલ્ડવેવની શક્યતા વચ્ચે રાજકોટમાં પણ ઠંડીનો પારો ગગડતાં સિઝનનું સૌથી ઓછું 9.7 ડિગ્રી તાપમાન નોંધાતાં લોકો ઠૂંઠવાયા હતા. હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ દરમિયાન રાજકોટ અને કચ્છ જિલ્લામાં કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર-કચ્છમાં કોલ્ડવેવની શક્યતા વ્યકત કરવામાં આવી હતી, એની વચ્ચે છેલ્લા ચોવીસ કલાક દરમિયાન રાજકોટ શહેર-જિલ્લામાં ફૂંકાઈ રહેલા બર્ફીલા પવનના કારણે લોકોને કડકડતી ઠંડીનો સામાનો કરવાનો વારો આવ્યો છે. રાજકોટમાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન સામાન્ય કરતાં 5.9 ડિગ્રી તાપમાન ઘટ્યું હતું, જેના કારણે તાપમાનનો પારો 10 ડિગ્રી નીચે ગગડીને 9.7 ડિગ્રી પર પહોંચ્યો હતો.