આજી વસાહતમાં ઋષિ એક્સપોર્ટ પ્રાઇવેટ લિમિટેડ નામે ડીઝલ એન્જિન પંપ બનાવી એક્સપોર્ટ કરતાં વેપારીના કારખાનામાંથી તેના કર્મચારી સહિતની બેલડીએ પોણા બે માસ પહેલાં રૂ.15 લાખની ચોરી કરી નાસી ગયા બાદ પરત નહીં આવતા વેપારીની ફરિયાદ પરથી થોરાળા પોલીસે ગુનો નોંધી કર્મચારી સહિતની બેલડીને સકંજામાં લીધા હતા. પૂછતાછમાં ચોરી કરી તેઓ સોમનાથ, મુંબઇ, યુપી સહિતના શહેરોમાં ફ્લાઇટમાં મુસાફરી કરી હતી અને બાકીની રોકડ યુપી તેના પરિચિત પાસે રાખીને આવ્યાનું રટણ કર્યું હતું. થોરાળા પોલીસ રોકડ કબજે કરવા યુપી જવા કાર્યવાહી કરી છે.
નિર્મલા કોન્વેન્ટ રોડ પર રહેતા અને આજી વસાહતમાં ડીઝલ એન્જિનના પંપ બનાવી એક્સપોર્ટ કરતાં ધ્રુવ હરિશભાઇ દવેએ ફરિયાદ કરી હતી. જેમાં આરોપી તરીકે તેના કારખાનામાં ડ્રાઇવર તરીકે નોકરી કરતો નથુ ઉર્ફે કાનો ભરવાડ અને એક અજાણ્યા શખ્સનું નામ આપ્યું હતું. ફરિયાદમાં તેને જણાવ્યું હતું કે, તા.5-10ના રોજ અમારી ફેક્ટરી વેચી હતી જેમાં સૂથી પેટેના રૂ.25 લાખની રોકડ કારખાનાના કબાટમાં રાખ્યા હતા અને તેમાંથી અગાઉ તેના પિતાએ 10 લાખ લીધા હતા અને 15 લાખ મૂકી દીધા હતા. બાદમાં રૂપિયાની જરૂર હોય તેના પિતાઅે કબાટમાંથી પૈસા લેવા ગયા કબાટમાં કંઇ પૈસા ન હોય જેથી ધ્રુવભાઇને જાણ કરી હતી અને રૂપિયા લઇ આવ્યા ત્યારે કારખાનાનો ડ્રાઇવર નથુ સાથે હોવાનું જણાવતા તપાસ કરી હતી.