રાજકોટના રેલનગર વિસ્તારમાં ગઈકાલે રાત્રીના સમયે સિટીબસના ચાલકને ચાલુ બસ દરમિયાન હાર્ટ એટેક આવતા એક રીક્ષા અને બેથી ત્રણ વાહનો સાથે અકસ્માત સર્જાયો હતો. જેમાં બસચાલકનું હાર્ટ એટેક આવવાથી જ્યારે એક મહિલાનું અકસ્માત થવાના કારણે મોત નીપજ્યું હતું. મૃતક બસ ચાલકની ઉંમર 61 વર્ષ હોવાનું સામે આવતા મનપા દ્વારા હવે પોતાના ટ્રાન્સપોર્ટ ટેન્ડરમાં વય મર્યાદાને લઇ નિયમ ઘડવા માટે નિર્ણય કરવામાં આવશે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે. અત્યારસુધી વય મર્યાદા અંગે કોઈ નિર્ણય ન હતો અને હવે અકસ્માત બાદ વય મર્યાદા માટે નિયમ બનાવશે.
રાજકોટ મનપાના રાજપથ ટ્રાન્સપોર્ટ વિભાગના અધિકારી મનીષ વોરાએ જણાવ્યું હતું કે, રાજકોટ શહેરના રેલનગર મેઈન રોડ પર હમીરસિંહજી ચોકથી આસ્થા ચોક વચ્ચે સિટીબસ નંબર 40 રેલનગરથી બસડેપો તરફ જઈ રહી હતી. દરમિયાન બસના ચાલક પરષોત્તમભાઈ બારૈયા નામના 61 વર્ષીય વૃદ્ધને હાર્ટ એટેક આવતા બસ એક રીક્ષા તેમજ બેથી ત્રણ વાહન સાથે અથડાઇ હતી. બસના ચાલકનું એટેક આવવાથી અવસાન થયું છે. જેયારે એક મહિલા સંગીતાબેન ગંગારામ માકડીયાનું પણ મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે.