રાજકોટમાં સરદારધામના ઉપપ્રમુખ અને પૂર્વ કોર્પોરેટર જયંતી સરધારા પર હુમલાની ઘટના બન્યા બાદ તેઓ વકીલ હોવાથી રાજકોટ બાર એસોસિએશનના હોદ્દેદારો ગિરીરાજ હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા અને ત્યારબાદ વકીલ પર હુમલો થયો હોવાથી પીઆઇ સંજય પાદરિયા વતી કોઇ વકીલ ન રોકાય તેવો ઠરાવ કરાયો છે.
રાજકોટ બાર એસોસિએશનના પ્રમુખ બકુલ રાજાણી અને સેક્રેટરી પી.સી.વ્યાસ દ્વારા તા.28-11-2024ના ઠરાવમાં જણાવ્યું હતું કે, સિનિયર એડવોકેટ જે.જી.સરધારા જેઓ પાટીદાર અગ્રણી અને સરદારધામના ઉપપ્રમુખ છે. તેઓના પર હુમલો થતાં રાજકોટ બાર એસોસિએશને આ ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢે છે. અને રાજકોટ બાર એસોસિએશન સર્ક્યુલર ઠરાવથી ઠરાવે છે કે, આ ગુનામાં આરોપી તરફે પોતાની નૈતિક ફરજ સમજીને બચાવ પક્ષે કોઇપણ એડવોકેટએ વકીલ તરીકે રોકાવું નહીં.
બીજી બાજુ રાજકોટ દક્ષિણના ધારાસભ્ય રમેશ ટીલાળાએ આ વિવાદમાં ઝંપલાવ્યું છે અને જણાવ્યું હતું કે, ખોડલધામ અને સરદારધામ એમ બંને સંસ્થાઓના વડીલોને મળીને ઝડપથી સમાધાન થાય તેવા પ્રયત્નો કરીશ. તેમજ સમગ્ર ઘટનાને ગેરસમજ ગણાવી હતી. અન્ય આગેવાનો હવે ખૂલીને નરેશ પટેલ સામે બોલી રહ્યા છે ત્યારે નરેશ પટેલના જ નજીક ગણાતા એવા રમેશ ટીલાળાએ સમાધાન કરાવવાનું બીડું ઝડપ્યું તે ઘણું સૂચક છે.