રાજકોટમાં સવારે અને રાત્રે શિયાળાની ઠંડી પડવાની શરૂઆત થઇ છે. જોકે, બપોરનાં સમયે ગરમીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ મિશ્રઋતુનાં કારણે રોગચાળો વકરી રહ્યો છે. ડેંગ્યુ, મેલેરિયા જેવા મચ્છરજન્ય રોગ મનપાનાં અથાગ પ્રયાસો છતાં સંપૂર્ણપણે કાબુમાં આવી રહ્યા નથી. શહેરમાં છેલ્લા બે માસથી ડેંગ્યુનાં કેસો સતત વધી રહ્યા છે. ત્યારે ચાલુ સપ્તાહે વધુ 11 ડેંગ્યુનાં કેસો સામે આવ્યા છે. ઉપરાંત શરદી-ઉધરસનાં 1227 અને સામાન્ય તાવના 1028 સહિત વિવિધ રોગના મળી કુલ 2456 કેસ મનપાનાં ચોપડે નોંધાતા આરોગ્ય વિભાગ સતર્ક બન્યો છે. શહેરમાં ફોગિંગ સહિતની કામગીરી ઝડપી કરવામાં આવી છે.
પ્રાપ્ત વિગત મુજબ, છેલ્લા એકાદ સપ્તાહથી શહેરની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ તેમજ મનપા સંચાલિત આરોગ્ય કેન્દ્રોમાં દર્દીઓ મોટી સંખ્યામાં ઉમટી પડતા લાંબી કતારો જોવા મળી હતી. મનપાનાં ચોપડે વિવિધ રોગોનાં ગત સપ્તાહના 2,082 કેસ સામે ચાલુ સપ્તાહે 2,456 કેસ નોંધાયા છે. જેમાં શરદી-ઉધરસનાં સૌથી વધુ 1227 કેસ, ઝાડા-ઉલટીનાં 186, સામાન્ય તાવનાં 1028 કેસ નોંધાયા છે. આ ઉપરાંત મચ્છરજન્ય રોગચાળામાં ડેંગ્યુનાં 11 કેસ નોંધાયા હતા. એટલું જ નહીં મેલેરિયા તાવનાં 2 અને ચિકનગુનિયાનો 1 કેસ પણ સામે આવ્યો છે.