રાજકોટ શહેરમાં વધુ એક ઇન્વેસ્ટમેન્ટ પેઢીનું કૌભાંડ સામે આવ્યું છે. જેમાં 10થી 15 ટકા જેટલા ઊંચા વ્યાજની લાલચે 7 લોકોએ 31 લાખ ગુમાવ્યા હોવાની પોલીસ ચોપડે ફરિયાદ નોંધાઈ છે. હાલ ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ફરિયાદમાં રાકેશ ચંદુભાઈ ચાવડા (ઉં.વ.37)એ જણાવ્યું છે કે, હું ફર્નીચરનો વેપાર કરું છું. ઓગસ્ટ 2023માં મારા મિત્ર મોહીત વસાણી કે જેઓએ મની પ્લાન્ટ ઇન્વેસ્ટમેન્ટ નામની પેઢીમાં પોતાના રૂપિયાનું રોકાણ કર્યું છે અને સારૂ એવુ વળતર મળે છે. જેથી મારે પણ મુડી રોકાણ કરવું છે, તેમ પૂછતા મોહીતે મને વાત કરી કે, મેં મનીપ્લાન્ટ ઇન્વેસ્ટમેન્ટમાંથી મને માસીક 10થી 15 ટકા જેટલું વળતર મળે છે. જેથી હું આ નીરવ મહેતાની 150 ફુટ રીંગ રોડ અયોધ્યા ચોક પાસે આવેલ રનવે હાઇટસ બિલ્ડિંગની 813 નંબરની ઓફિસે ગયો હતો.
નીરવ મહેતાએ સ્કીમ સમજાવી કે, રોકાણ કરશો તો હું તમને માસીક 10થી 15 ટકા વળતર આપીશ. જેથી મેં તા. 15.09.2023ના રોજ રોકડા રૂ.1,50,000 બાદ ઓકટોબર 2023માં રોકડા રૂ.5,00,000 તથા મારી પત્નીના નામનો તા.16.09.2023ના રોજ રૂ.2,00,000નો ચેક આપ્યો હતો. આમ કુલ રૂ. 8,50,000 નીરવ મહેતાને તેમની ઓફિસે આપ્યાં હતા. જે રૂપિયાની સિક્યુરિટી પેટે નીરવ મહેતાએ મને બે ચેક આપ્યાં હતા. બે મહિના સુધી મને માસીક 10થી 15 ટકા રોકડમાં તથા ગુગલ પેથી વળતર આપ્યું હતું. ત્યારબાદ વળતર આપવાનું બંધ કરી દીધું હતું, જેથી મેં મારી મૂળ રકમ પરત માગતા અલગ-અલગ બહાના બતાવ્યાં હતાં.