રોકાણની અલગ-અલગ સ્કિમ અને ઊંચા વળતરની લાલચ આપી લેભાગુ શખ્સો ઠગાઇ કરતા હોવાના અગાઉ અનેક કિસ્સા બન્યા છે પરંતુ નાણાંની લહાયમાં લોકો રોકાણ કરી છેતરપિંડીનો ભોગ બને છે, આવું જ કંઇક સાત લોકો સાથે બન્યું હતું, 15 ટકા માસિક વળતરની લહાયમાં સાત શખ્સોઅે રૂ.31 લાખ ગુમાવ્યા હતા.
શહેરના 150 ફૂટ રિંગ રોડ પરના અયોધ્યા ચોક પાસે રહેતા અને ફર્નિચરનું કામ કરતા રાકેશભાઇ ચંદુભાઇ ચાવડા (ઉ.વ.37)એ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે સોમનાથ સોસાયટીમાં રહેતા અને અયોધ્યા ચોકમાં રન્વે હાઇટ્સ બિલ્ડિંગમાં અોફિસ ધરાવતા નિરવ મહેશ મહેતાનું નામ આપ્યું હતું, રાકેશભાઇએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ઓગસ્ટ 2023માં તેના મિત્ર મોહિત વસાણીએ પોતે મની પ્લાન્ટ ઇન્વેસ્ટમેન્ટ પેઢીમાં રોકાણ કરી માસિક 10 થી 15 ટકાનું વળતર મેળવતો હોવાની વાત કરતાં રાકેશભાઇ રન્વે બિલ્ડિંગમાં આવેલી ઓફિસમાં ગયા હતા અને ત્યાં નિરવ મહેતાએ અલગ-અલગ સ્કિમ સમજાવીને રોકાણથી માસિક 10 થી 15 ટકા વળતરની ખાતરી આપી હતી. નિરવ મહેતાની જાળમાં રાકેશભાઇ ફસાઇ ગયા હતા અને તેમણે પોતાના તથા તેમના પત્નીના નામે રૂ.8.50 લાખનું રોકાણ કર્યું હતું. વળતર મળવાનું બંધ થતાં રાકેશભાઇ રૂબરૂ ગયા તો નિરવ અલગ-અલગ બહાના કાઢતો હતો અને વધુ ઉઘરાણી કરી તો તેણે ધમકી આપી હતી કે, હવે મારી પાસે રૂપિયા માગવા આવ્યા તો તમારા નામ લખીને દવા પી જઇશ.