શહેરમાં ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન માટે હવે દર વર્ષે 52ના બદલે 96 કરોડ ખર્ચશે

રાજકોટ મનપા દ્વારા સ્વચ્છતા રેન્ક સુધારવા માટે અલગ અલગ પ્રયાસ હાથ ધરાયા છે. ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન માટે મનપા દ્વારા બે અલગ અલગ એજન્સીના ટેન્ડર મંજૂર કરાયા છે. રાજકોટ મનપા અત્યારે દર વર્ષે ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન માટે દર વર્ષે 52 કરોડનો ખર્ચ કરતી હતી તે હવે અંદાજિત 96 કરોડ જેટલો થશે. સ્ટેન્ડીંગ ચેરમેને કહ્યું હતું કે, નવું ટેન્ડર મંજૂર થયા બાદ ટીપરવાનમાં કચરાના જે કોથળા લટકતા જોવા મળી રહ્યા છે ભૂતકાળ થઈ જશે.

સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકરના જણાવ્યા અનુસાર આજની બેઠકમાં વિકાસ કામોની જુદી-જુદી 53 જેટલી દરખાસ્તો આવી હતી. જેમાં હોકર્સઝોનનાં ભાડામાં વધારો નામંજૂર કરવામાં આવ્યો છે. જોકે વેપારીઓ પાસેથી સફાઈ માટે માસિક રૂ. 500 વસૂલવા નિર્ણય કરવામાં આવ્યો છે. તેમજ ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન માટેની અતિ મહત્વની દરખાસ્તને મંજુર કરવામાં આવી છે. જેના કારણે શહેરની સફાઈ રાખવી સરળ બનશે. તેમજ પર્યાવરણને પણ મોટો ફાયદો થશે. અત્યાર સુધી મનપાને રૂ. 52 કરોડનો ખર્ચ થતો હતો. જે સામે હવે વાર્ષિક રૂ. 96 કરોડ જેટલો ખર્ચ થશે. આ સામે સ્ટાફ અને ટીપરવાનની સંખ્યામાં ડબલ કરતા મોટો વધારો થશે. અને ટીપરવાનમાં લટકતા કોથળા ભૂતકાળ બની જશે.

કેન્દ્ર સરકારના સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ 2019 હેઠળ ગાર્બેજ સેગ્રીગેશનના સોલ્યુશન માટે રાજય સરકારે કુલ ચાર ભાગમાં કચરાના સેગ્રીગેશનની નીતિ અપનાવી છે. આ ગાઇડલાઇન હેઠળ અમદાવાદ, સુરત, સહિતના શહેરોમાં કંપની મારફત ડોર ટુ ડોર વેસ્ટ કલેકશન સહિતની કામગીરીના કોન્ટ્રાકટ અપાયા છે. હવે અમદાવાદના ટેન્ડરની જેમ રાજકોટમાં પણ આ નીતિ અપનાવવામાં આવી છે. જે અંતર્ગત કંપની ટીપરવાન સહિતની વ્યવસ્થા પોતાના ખર્ચે મૂકશે. આ માટે મનપાને પ્રથમ વર્ષથી વાર્ષિક રૂ. 96 કરોડથી લઈ રૂ.105 કરોડનો ખર્ચ થશે. એટલે કે 10 વર્ષનું ટેન્ડર મનપાનાં ઇતિહાસનું સૌથી મોટું રૂ. 1000 કરોડનું થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *