રાજકોટ સિવિલમાં અમુક ગ્રુપનાં બ્લડ નથી, ડેસપરાલ ઇન્જેક્શન અને જરૂરી દવાઓની પણ અછત હોવાનો આરોપ

રાજકોટમાં થેલેસેમિયા દર્દીઓની સંખ્યા 300 કરતા વધુ છે. આ દર્દીઓને નિયમિત બ્લડની જરૂર પડતી હોય છે. સાથે જ ડેસપરાલ ઇન્જેક્શન તેમજ અમુક દવાઓ પણ રેગ્યુલર લેવી પડતી હોય છે. બ્લડની સાથે-સાથે દવાઓ અને ઇન્જેક્શન તેમને જીવન ટકાવી રાખવા માટે જરૂરી છે. જો કે, હાલ સિવિલમાં A+ તેમજ O- સહિતના અમુક ગ્રુપના બ્લડની ભારે અછત જોવા મળી રહી છે. ઉપરાંત ડેસપરાલ ઇન્જેક્શન છેલ્લા એક વર્ષથી મળતા નથી. તેમજ જરૂરી દવાઓની આવકનાં પ્રમાણમાં માગ વધારે હોવાથી દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જો કે, એડિશનલ સિવિલ સુપ્રીટેન્ડેન્ટ ડો. હેતલ ક્યાડાએ આ માટે જરૂરી પ્રક્રિયા કરી સપ્તાહમાં સમસ્યાનો ઉકેલ લાવવા ખાતરી આપી હતી.

પ્રાપ્ત વિગત મુજબ હાલ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં થેલેસેમિયાની દવા-ઇન્જેક્શન તેમજ અમુક ગ્રુપના બ્લડ મળતા નથી. તેમાં પણ સિવિલ તંત્રને વારંવાર રજુઆત કરવા છતાં છેલ્લા 1 વર્ષથી ડેસપરાલ ઇંજેક્શન આવ્યા નથી. થેલેસેમિયાના દર્દીઓમાં વધતા આર્યનને ઇંજેક્શન કંટ્રોલ કરે છે. બજારમાં આવા એક ઇન્જેક્શનની કિંમત રૂ.200 જેટલી હોય છે. પ્રત્યેક દર્દીને રોજના ચાર-પાંચ ઇન્જેક્શન લેવા પડતા હોય છે. જેને લઈને રોજ 1000 રૂપિયા જેટલો ખર્ચ થાય છે. જે સામાન્ય વર્ગના લોકો કરી શકતા નથી. આ ઇન્જેક્શન ન લેવાય તો હાર્ટ-એટેક સાહિતનું જોખમ વધી જવાથી જીવ જવાની શક્યતા છે. ત્યારે આ અંગે તાત્કાલિક પગલાં લેવામાં આવે તેવી માગ થેલેસેમિયા પીડિતો દ્વારા કરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *